ચિંતા@સુરેન્દ્રનગર: ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં કરા પડ્યાં

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કરા સાથે વરસાદ થતાં જગતનો તાત ફરી ચિંતામાં મૂકાયો છે. લીંબડી શહેર તેમજ ચુડા પંથકમાં ભારે પવન અને વાવઝોડા સાથે વરસાદ આવતા ખેતીમાં ભારે નુકસાન થવાની આશંકા છે. લીંબડીમાં કરા સાથે વરસાદ આવતા ઘઉં, જીરુ, ચણા અને રાયડા સહિતના પાકમાં મોટાપાયે નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા વરીયાળીના પાકમાં મોટું નુકસાન જતાં ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચ્યું છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં ભરઉનાળે ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. ગઇકાલે સાંજે વાવાઝોડા સાથે વરસાદ બાદ શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. લીંબડી શહેર તેમજ આસપાસનાં વિસ્તારમાં અંદાજે 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ લીંબડી બસ સ્ટેશન, ગ્રીન ચોક વિસ્તાર અને સેવા સદન સહિતના વિસ્તારમાં વૃક્ષો અને વિશાળ હોર્ડીંગ્સ ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારમાં પતરાના છાપરા પણ ઉડી ગયાં હતા.

સુરેન્દ્રનગરનાં બોડીયા ગામમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો. ભરઉનાળે પડેલા કમોસમી વરસાદમાં લોખંડનો વીજપોલ અધવચ્ચેથી નમી પડ્યો હતો. જેના કારણે આસપાસના ગામોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનમાં લીંબડી તેમજ આસપાસનાં વિસ્તારમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.