નિવેદન@ગુજરાત: MLA હાર્દિક પટેલે કહ્યું, પહેલા લાગતું કે કાયદો બનાવવો સરળ છે, પણ હવે....

 
Hardik Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલે બજેટ સત્રમાં મોટી વાત કહી છે. વિધાનસભાના બજેટ સત્ર 2023માં હાર્દિક પટેલ પહેલીવાર બોલવા ઉઠ્યા હતા. જ્યાં જણાવ્યુ કે, જ્યારે હું રસ્તા પર આંદોલન કરતો હતો ત્યારે મને લાગતું હતું કે, કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ અહીં બેઠા પછી લાગ્યું કે તે તેટલું સરળ નથી. આ નિવેદનની હાલ ભારે ચર્ચા થઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે 2015 અને 2017 વચ્ચે રાજ્યમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનને કારણે રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો હતો. ત્યારે હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા. તેમની માંગ હતી કે, સરકાર પાટીદાર સમાજને અનામત આપવામાં આવે. આ આંદોલન બાદ હાર્દિક પટેલ દેશભરમાં યુવા નેતા તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે હાર્દિકના આંદોલનથી ગુજરાત સરકાર પણ હચમચી ગઈ હતી.

આ સાથે ગુજરાતી ભાષાના બિલની ચર્ચામાં ભાગ લેતા હાર્દિકે પોતાની વાત રજૂ કરી છે. હાર્દિકે વધુમાં કહ્યું હતુ કે, આ બિલ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવામાં મદદ કરશે. તેનાથી આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બનશે. જોકે, આ સંબોધન દરમિયાન હાર્દિક પટેલે કાયદો બનાવવાની પ્રક્રિયાને અઘરી ગણાવી હતી અને કહ્યું હતું કે, રસ્તા પર ઉભા રહીને કંઈપણ કહેવું ખૂબ જ સરળ છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો

નોંધનીય છે કે, હાર્દિક પટેલ આંદોલનમાંથી રાજકારણમાં આવ્યો છે. તેઓ પાટીદાર આંદોલન પછી કોંગ્રેસમાં જોડાઇને ગુજરાત રાજ્યના કાર્યકારી પ્રમુખ બન્યા હતા. જોકે બાદમાં તેમણે પક્ષમાં કામ કરવાની સ્વતંત્રતા ન હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો. જ્યાંથી તે સારા માર્જિનથી જીત્યા હતા.