બ્રેકિંગ@ગુજરાત: ભાજપ MLA હાર્દિક પટેલે આપી અહિંસક આંદોલનની ચીમકી, જાણો કેમ ?

 
Hardik Patel

અટલ સમાચાર, ડેસ્ક

વિરમગામના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. માહિતી મુજબ ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ દ્વારા દેશી કપાસના ભાવ નક્કી કરવા વેપારી કપાસનો ઉતારો કાઢે ત્યારે ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ કરી છે. હાર્દિક પટેલે ચિમકી પણ આપી છે કે, દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે. 

ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે, દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. 6 માસમાં કપાસનો પાક તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.

આ સાથે પત્રમાં ઉમેર્યું કે, વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને 14 કિલો કપાસમાંથી 40 ટકા રુ અને 60 ટકા કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે સાડા ચૌદ કિલોની ધડી ગણે છે. જેમાં 14.5 કિલોનો ઉતારો ના આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માઇનસ ગણીને તેના પ્રતિ 1 પોઇન્ટ પર 7 રુપિયા કાપે છે જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી. તેની પહોંચમાં માત્ર પાસ એવું જ લખવામાં આવે છે.

 

હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ વેપારી 15 દિવસે કરે છે અને જો ખેડૂતને તુરત પેમેન્ટ જોઇતું હોય તો પ્રતિ 1 હજાર રુપિયા પર 15 રુપિયા વટાવ કાપી ચૂકવાય છે અને શોષણ કરાય છે. વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો રાખવામાં આવે છે તે તત્કાળ બંધ કરાવામાં આવે તેવી માગ હાર્દિક પટેલે કરી છે. ખેડૂતોનું શોષણ જો ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ તેમણે ચીમકી આપી હતી.