બ્રેકિંગ@ગુજરાત: તલાટી પરીક્ષાને લઈ મોટી જાહેરાત, આ વસ્તુ પાસે હશે તો નહીં મળે એન્ટ્રી

 
Hashmukh Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યભરમાં આવતીકાલે એટલે 7 મેના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા યોજાવવાની છે. જેમાં રાજ્યભરમાંથી 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના છે. આ અંગે આજે ભરતીબોર્ડ અધ્યક્ષ, હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરીને કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 'ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે.' આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, 'ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ કરવાનો રહેશે.' 

હસમુખ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, 'પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જે તે જિલ્લામાં રિહર્સલ પણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે ઇન્ટેલિજન્સ તંત્ર, પોલીસ તંત્ર સાબદું છે. ભૂતકાળમાં જે લોકોએ આવી પરીક્ષાઓમાં ગેરરીતિમાં સંડોવાયેલા છે તેમની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.'

આ સાથે તેમણે જણાવ્યુ કે, 'રેલવેએ આ માટે વધારાની નવ ટ્રેન શરૂ કરી છે. આ ઉપરાંત જીએસઆરટીસી દ્વારા પણ જેમ જેમ ઓનલાઇન બસો ભરાતી જાય તેમ તેમ નવી બસો મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમે 619 બસો મુકી છે. જેમા સડાસત્તર હજાર જેટલા લોકોએ બુકિંગ કર્યુ છે.'

આ ઉપરાંત તેમણે ઉમેદવારો માટે જણાવ્યુ કે, ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રમાં લઇ જઇ શકે છે. તે માટે તેમને રોકવામાં આવે તો તેઓ પોતાનો કોલ લેટર બતાવી શકે. જેમાં પણ આ લખવામાં આવ્યું છે. કોઇપણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની છૂટ નથી. ઉમેદવારો વાહન લઇને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવામાં નહીં આવે.