આગાહી@ગુજરાત: આ તારીખથી તો શરૂ થઈ જશે ગરમી, જાણો શું કહ્યું અંબાલાલ પટેલે ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં પવનની દિશા બદલાય એટલે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. રાજ્યામાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે. હાલ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. સૂકા અને ઠંડા પવનને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ બપોર થતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. એટલે બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્યને અસર થઇ રહી છે. પરંતુ હવે ફેબ્રુઆરીનો એન્ડ આવતો જશે તેમ તાપમાનમાં પણ વધારો થતો જશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. પરંતુ અમુક વિસ્તારમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે રાતના ભાગોમાં તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીમે-ધીમે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઇ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. 12થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કદાચ છાંટા થવાની શક્યતા રહેશે. 19થી 22 ફેબ્રુઆરીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે. જોકે, ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડવેવની આગાહી આવી નથી. મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહ્યું છે. ફરી એક વખત રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતો દ્વારા ફેબ્રુઆરીની 7 તારીખ બાદ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવતી હતી, તે પ્રમાણે જ સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી.