હવામાન@ગુજરાત: રાજ્યના બે જિલ્લા માટે હીટવેવની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે તાપમાન

 
Summer Heat Wave

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાંમાં એપ્રિલ મહિનામાં માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. જ્યારે મે મહિનામાં ગરમી પોતાના તેવર બતાવી રહી છે. આખા રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે, બુધવારે વલ્લભવિદ્યાનગર 44.1 ડીગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સાતથી વધારે શહેરોમાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થયો હતો. 

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, તાપમાન વધ્યુ છે. હવે આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના બે જિલ્લા માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પોરબંદરમાં 45 ડિગ્રીને પાર જઈ શકે છે. બુધવારે, રાજ્યમાં સૌથી ઓછી ગરમી દ્વારામાં 31.8 ડીગ્રી સેલ્સીયસ રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત થવાના એંધાણ જોવા નહી મળે. મે મહિનાની પ્રથમ સપ્તાહ બાદ રાજ્યમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના નથી. મોટાભાગે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં ગરમીનો પારો હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, તાપમાનનો પારો વધી ગયો છે. હવે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં તાપમાન 42-44 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરમાં આજે 44 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે. જ્યારે બે દિવસ પછી 42-43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. અમદાવાદ માટે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે દિવસ યલો એલર્ટ રહેશે. રાજ્યભરમાં તાપમાનનો પારો વધી ગયો છે. પાંચ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. જેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.