દુર્ઘટના@રાધનપુર: હાઇવે પર અચાનક ટ્રકમાં લાગી વિકરાળ આગ, ડ્રાઈવર ભડથું થઈ ગયો

 
Radhanpur Highway Fire in Truck

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે ઉપર એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત રાત્રિએ મોટી પીપળી ગામ પાસે એક ટ્રેઈલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ તરફ થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેઈલર આગની લપેટમાં આવી ગયું હતું. આ દરમ્યાન ટ્રક ડ્રાઇવર અંદર જ ફસાઈ ગયો હોય જીવતો ભડથું થઈ ગયું હતું. સમગ્ર ઘટનામાં ટ્રેઈલર પણ બળીને ખાખ થઈ ગયા બાદ હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

પાટણ જિલ્લાનાં રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે ઉપર મોટી પીપળી ગામ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાની માહિતી મુજબ રાજસ્થાનના જયપુરના દૂધની નજીકના ગગરડું ગામના રાજેન્દ્રકુમાર સત્ય વચન ગઈકાલે રાત્રે ટ્રેઈલરમાં ગ્રેડ ટાઈપની કપચી ભરીને કચ્છ તરફ જઈ રહ્યો હતો. આ દરમ્યાન રાધનપુરના સાતલપુર હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અચાનક ટ્રેઈલરમાં આગ ભભૂકી ઊઠી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગણતરીની મિનિટમાં જ સમગ્ર ટ્રેલર સળગી ઊઠ્યું હતું. આ તરફ ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેઈલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભડથું થઈ ગયો હતો. મહત્વનું છે કે, તેમના મૃતદેહને હાલમાં રાધનપુર ખાતે પીએમ અર્થે લાવી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.