મેઘમહેર@ગુજરાત: રાજ્યમાં ચોમાસાની જોરદાર બેટિંગ, અહીં તો 2 કલાકમાં 2 ઇંચ ખાબક્યો

 
Rain Dwarka

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે રવિવારે સવારે 6થી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્નારકાના ભાણવડમાં 44 એમએમ એટલે કે, 1.76 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પોરબંદરમાં 11 એમએમ, કચ્છના ભચાઉમાં પાંચ એમએમ, પોરબંદરના રાણાવાવમાં ચાર એમએમ, વલસાડમાં ચાર એમએમ, જૂનાગઢના માણાવદરમાં ત્રણ એમએમ, જામનગરના જામજોધપુરમાં બે એમએમ વરસાદ નોંધાયો છે.

દ્વારકા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. આજે ભાણવડમાં વહેલી સવારે બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મેળવી છે. આ સાથે ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જીલ્લામાં વરસાદી વાદળછાયું વાતાવરણથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પોરબંદરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ ઊભી થઇ છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામાચોક, ખાદી ભવન, SVP રોડ સહિતના રસ્તાઓ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ગરીયાધારમાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના જેસર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમરેલીના લિલીઆ, મોરબીના વાંકાનેર, જલાલપોર, ડેડિયાપાડા, ઉચ્છલ, નવસારી, અમરેલીસ કપરાડામાં 10 એમએમથી વધારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી અંગેની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં સાત દિવસ વરસાદ પડશે. આગામી ચાર દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. આ સાથે ચાર દિવસ થંડરસ્ટ્રોર્મ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે પાંચમાં, છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે રવિવારે સવારે 6થી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે.