હવામાન@ગુજરાત: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદને લઈ મોટી આગાહી, નવરાત્રીની મજા બગડશે ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં મેઘરાજા શાંત થતા દેખાઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજી વધુ બે મહિના વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા બે મહિનામાં કેવો વરસાદ રહેશે તે અંગે અનુમાન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ક્યારે અને ક્યાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર ઓછું રહેશે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આવનારા દસ દિવસ સુધી છૂટાછવાયો સામાન્ય વરસાદ જોવા મળશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 15થી 30 ઓગસ્ટ સુધીના સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ જોવા મળશે. હાલ વરસાદની પર્ટન ચેન્જ થઇ રહી છે જેના કારણે ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધી જશે. ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અરવલ્લી જેવા વિસ્તારોમાં ઓગસ્ટ મહિનાના પાછળના સપ્તાહમાં ભારે વરસાદની શક્યતા જોઇ શકાય છે.
પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. તેની અસરને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને આ કરંટને કારણે પવનની સ્પીડ વધી રહી છે. આ સાથે ઊંચા મોઝા પણ ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બની રહ્યો છે. હાલના આઠથી દસ દિવસના સમયમાં દરિયો તોફાની બનશે. આ સમય દરમિયાનમાં માછીમારો ભાઇઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. દરિયો ન ખેડવો તે માછીમારોના હિતમાં રહેશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, આ વર્ષે ચોમાસામાં 100 ટકા ઉપર જ વરસાદ થશે. આ વખતે ઓગસ્ટમાં વરસાદનું એવરેજ પરફોર્મન્સ રહેશે જ્યારે સપ્ટેમ્બરમાં અમુક દિવસોએ ભારે વરસાદની પણ શક્યતા છે. સપ્ટેમ્બરમાં જુલાઇ કરતા ઓછો રહેશે પરંતુ તેની યાદ અપાવી દે તેવો વરસાદ રહેશે. તેમણે નવરાત્રી વખતના વરસાદ અંગે મોટી આગાહી કરતા જણાવ્યુ કે, આ વખતે બે શ્રાવણ મહિના છે જેથી નવરાત્રી મોડી આવી રહી છે. તો પણ નવરાત્રી દરમિયાન ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદની શક્યતા તો દેખાઇ રહી છે. નવરાત્રીનો વરસાદ ખૈલેયાને તો પરેશાન કરશે જ પરંતુ સાથે ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે.