અપડેટ@ગુજરાત: રાજ્યમાં 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

ઓગસ્ટમાં ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. 17 અને 18 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે, તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.

ત્રીજી દિવસે એટલે કે 18મીએ પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તારીખે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અમદાવાદ, ખેડા, અરવલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની સંભાવના છે. વેલ માર્ક લો પ્રેશરને કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે.