રિપોર્ટ@ગુજરાત: હાઇકોર્ટે મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓની કાઢી ઝાટકણી, જાણો શું છે કારણ ?

 
Gujarat High Court

અટલ સમાચાર, ડેસ્ક

ચાર દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટે રાજ્યના વિવિધ શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સામાન્ય લોકો સાથે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર પોતે ભગવાન હોય તેવું વર્તન કરે છે. તો આજે 6 નવેમ્બરે ગુજરાત હાઇકોર્ટે મુખ્ય સચિવ અને અન્ય સચિવ કક્ષાના અધિકારીઓની પણ ઝાટકણી કાઢી છે. 

ટ્રાઈબલ વિસ્તારોમાં નક્સલવાદ ન વધે એ માટે વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારની તકો ઊભી કરવા કેન્દ્ર સરકારે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને તેમાં કેન્દ્ર સરકાર 100 ટકા ભંડોળ આપતી હતી. જો કે આ ભંડોળના ઉપયોગ અધિકરીઓમાં વિવાદ થયો હતો. ભંડોળ મુદ્દે ઉભા થયેલ વિવાદમાં વર્ષોથી નોકરી કરનારાઓનો પ્રશ્ન ઉકેલવા જરૂરી નિર્ણય લેવા હાઇકોર્ટે સરકારને તાકીદ કરી હતી. 

જો કે હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુજરાત હાઇકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય સચિવ કક્ષાના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે મુખ્ય સચિવ અને અન્ય વિભાગના સચિવોએ આ મુદ્દાની ગંભીરતા સમજી નથી. ઉચ્ચ પદ પર બેઠેલ અધિકારી પ્રત્યે માન હોય, પણ કોર્ટના હુકમની અમલવારીમાં બેદરકારી કરનારને ચલાવી લેવાય નહીં. કોઈપણ કાયદાથી ઉપર નથી, ભલે તે મુખ્ય સચિવ હોય. હાઇકોર્ટના આકરા વલણ બાદ સરકાર પક્ષે કરાયેલ સોગંદનામુ બિન શરતી રીતે પાછું ખેંચાયું છે. આ મામલે સરકારે 9 તારીખ સુધીમાં હકારાત્મક નિર્ણય લેવા હાઇકોર્ટને બાંહેધરી આપી છે.