બ્રેકિંગ@વડોદરા: મંજુસર GIDCમાં નેલ્સન કંપનીમાં ભયાનક આગ, ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે
અટલ સમાચાર, ડેસ્કવડોદરાના મંજુસરના જીઆઈડીસીમાં આવેલી નેલ્સન કંપનીમાં ભિષણ આગ લાગી છે. આ આગ પર કાબૂ મેળવવા માટે વડોદરા શહેરની આઠ જેટલી ફાયર વિભાગની ટીમો મહેનત કરી રહી છે. આ ભીષણ આગ ભભૂકવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાનું કામ કરી રહ્યા છે. પવનને કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ અસર થવાની માહિતી મળી રહી છે.
હજી આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. નેલ્સન કંપનીમાં બહાર લગાવેલા શેડ અને પતરા પણ બળીને ખાખ થઇ ગયા છે. આ સાથે આગ એટલી ભીષણ હતી કે, કંપનીની બહાર ઉભેલી ટ્રક પણ બળીને ખાખા થઇ ગયો છે. આગ અંગે ફાયરના અધિકારીના જણાવ્યા પ્રમાણે, વડોદરાની ફાયર વિભાગની આઠ ટુકડીઓ હાલ આ ભીષણ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. આ આગને કાબૂમાં લેવામાં ફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કંપનીમાં મેટલ વેસ્ટેજ હતુ. આ એક સ્ક્રેપ ગોડાઉન હતુ જેના કારણે આગ થોડીવારમાં જ પ્રસરી ગઇ છે.
આ આગ એટલી ભયાનક હતી કે, દૂર દૂરથી આગના ગોટે ગોટા દેખાઇ રહ્યા હતા. આજે રવિવાર હોવાને કારણે આ કંપની અને અન્ય આસપાસની કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા નહીંવત જેવી હતી. પવનને કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ આ આગની અસર થવાની માહિતી મળી રહી છે. હાલ આ આગ કઇ રીતે લાગી તે અંગેની માહિતી મળી નથી. ફાયર વિભાગ પહેલા આ આગ પર કાબૂ મેળવશે અને ત્યાર બાદ એફએસએલની ટીમ આગનું કારણ શોધવાનો પ્રયત્ન કરશે તેમ માનવામાં આવી રહ્યુ છે.