રિપોર્ટ@મહેસાણા: લોકસભા પહેલા રાજીનામું આપનાર સી.જે.ચાવડા ડેપ્યુટી કલેક્ટરથી MLA કઈ રીતે બન્યા ?

 
C J Chavda

અટલ સમાચાર, ડેસ્ક 

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિગતો મુજબ મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભા સીટના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે 10:10 વાગ્યે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. માહિતી મુજબ સી.જે.ચાવડા વિજાપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ભાજપ હાઇકમાન્ડ સાથે બેઠક થયા બાદ સી.જે.ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. આ સાથે આવનારા સમયમાં AAP અને કોંગ્રેસમાંથી વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.

રાજકારણમાં પ્રવેશતા પહેલાં સી. જે. ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી. જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. આમ, એક વહીવટીય અધિકારીની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

વિગતો મુજબ વર્ષ 2002ની ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના વાડીભાઈ પટેલને 20025 મતથી હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના શંભુજી ઠાકોર સામે 3748 મતથી હાર થઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં સી.જે. ચાવડા કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના અશોક પટેલ સામે 4774 મતના માર્જીનથી જીત મેળવી હતી. 

આ તરફ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહ મંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં 5,57,014 મતના માર્જીનથી તેમની હાર થઈ હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા અને ભાજપના રમણ પટેલને 7053 મતથી હરાવી ફરીથી ચૂંટાયા છે. કોંગ્રેસના દંડક તરીકે ગત સરકારમાં તેમણે ફરજ બજાવી છે. જેમાં સૌથી યાદગાર હોય તો તત્કાલીન ગુજરાત સરકારે રજૂ કરેલા ઢોર નિયંત્રણ બિલનો તાર્કિક રીતે સી. જે. ચાવડાએ વિરોધ કર્યો હતો. બાદમાં રાજ્ય વ્યાપી આ બિલનો વિરોધ થતાં અંતે સરકારે આ બિલ પરત ખેંચ્યું હતું.