હડકંપ@રાજકોટ: સૌથી મોટો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 215 કરોડનું ડ્રગ પાકિસ્તાનથી કેવી રીતે અહીં આવ્યું ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત એટીએસ દ્વારા રાજકોટ જિલ્લાના ખંઢેરી ગામ પાસે આવેલી શ્રીજી ગૌશાળાના પાછળના ભાગે આવેલા વિસ્તારમાંથી 30.600 કિલોગ્રામ જેટલો હિરોઈન નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસ દ્વારા સમગ્ર મામલે દિલ્હી ખાતે રહેતા અને મૂળ નાઈજીરિયા ના નાગરીક EKWUNIFE MARCY S/O OKAFOR NWOBGO ( CHRISTIAN ) ને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુજરાતી એટીએસ દ્વારા દિલ્હી ખાતેથી 11 મે 2023 ના રોજ બપોરના 2:50 કલાકે તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ગુના ના કામે તેની ધરપકડ કરી તેને રાજકોટની NDPSની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જે આઈ પટેલની કોર્ટમાં તેને રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા સ્પેશિયલ પીપી મારફતે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે નામદાર કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણીની સામે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર સંજય વોરા દ્વારા રિમાન્ડર અર્થે દલીલ કરતાં જણાવ્યું હતું કે, એટીએસની ટીમને બાતમી મળી હતી કે, અનવર નામના વ્યક્તિ દ્વારા ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જે જથ્થો જાફરી નામના વ્યક્તિ દ્વારા દરિયા કિનારે તેની ડિલિવરી લેવામાં આવી હતી.
આ જથ્થો રાજકોટ જિલ્લાના ખંઢેરી ગામ પાસે આવેલી ચેકડેમ પાસેની જગ્યા ખાતે છુપાડવામાં આવ્યો હતો. 10 - 10 કિલોના ત્રણ જેટલા પેકેટ બનાવી જથ્થાને સંતાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ એટીએસ ને થતા એટીએસ વોચમાં હતી. પરંતુ એટીએસ ની બાતમી મુજબ જે બબલુ નામનો વ્યક્તિ ડિલિવરી લેવામાં આવનાર હતો તે ડીલીવરી લેવા આવ્યો નહોતો. જેના કારણે એટીએસ દ્વારા પંચોની હાજરીમાં શંકાસ્પદ જથ્થાને ખોલીને તેમાંથી 50 ગ્રામ જેટલો જથ્થો લેબમાં પરીક્ષણ અર્થે મોકલતા તે હેરોઈન હોવાનું ખુલ્યું હતું. એટીએસ દ્વારા સમગ્ર મામલે નારકોટિક્સ વિભાગની પણ મદદ લેવામાં આવી હતી.
એટીએસ દ્વારા છુપાવવામાં આવેલ જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે ખોલવામાં આવતા તેમાં દિલ્હીના એડ્રેસ સાથે એક વ્યક્તિનું નામ હતું. એડ્રેસ પર એટીએસની ટીમ બનાવટી જથ્થા સાથે પહોંચતા નાઈઝિરિયન વ્યક્તિ દ્વારા તે જથ્થા નો સ્વીકાર કરવામાં આવતા ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આજરોજ એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ પીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાકિસ્તાનથી આ ડ્રગ્સ એવી રીતે મોકલવામાં આવ્યું હતું કે એક પણ વ્યક્તિ એકબીજાના કોન્ટેક્ટમાં સીધી રીતે ના હોય. ત્યારે બબલુ નામનો વ્યક્તિ ક્યાં છે જાફરી નામનો વ્યક્તિ ક્યાં છે તેમજ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પૈકી કઈ જગ્યાએ આ ડ્રગ્સનો લેન્ડિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો તે સહિતની બાબતો અંગે આરોપીની સઘન પૂછપરછ કરવી જરૂરી હોય જેથી તેના 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે.
14 દિવસના રિમાન્ડ પૈકી બાર દિવસના રિમાન્ડ મળતા એટીએસ ની ટીમ આરોપીને લઈ અમદાવાદ ખાતે રવાના થઈ ચૂકી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નાઈઝીરીયા થી મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં ત્રણ મહિના માટે તે મેડિકલ વિઝા પર પોતાની અલસરની બીમારીનો ઈલાજ કરવા માટે ભારત આવ્યો હતો.