મેઘમહેર@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તરમાં કેટલો વરસાદ ? જાણો અહીં

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ ફરી તરકાટ મચાવ્યો છે. તો બીજી બાજુ ઉપરવાસમાં વરસાદને કારણે નદીનાળામાં પણ પાણીની આવક વધતા જળસપાટીના સ્તર પણ ભયાનક સપાટીએ આવી ગયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (આજે સવારે -18-09-2023 આઠ વાગ્યા સુધી) 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. ગોધરા અને શહેરામાં સાડા 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગોધરા અને શહેરામાં સડા 9 ઈંચ વરસાદ ખાબકતા ચિંતામાં વધારો થયો છે. આ સાથે મહિસાગરના વીરપુરમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત તલોદ અને બાયડમાં સાડા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધનસુરામાં 8, મોરવાહડફમાં પોણા 8 ઈંચ, લુણાવાડા અને પ્રાંતિજમાં 7 ઈંચ, ખેડાના કપડવંજમાં સાડા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 5 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 11 તાલુકામાં 4થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 27 તાલુકામાં 3થી સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. અને અન્ય તાલુકાઓમાં પણ 1થી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.