વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં સતત કમોસમી વરસાદ વચ્ચે આ વર્ષે ચોમાસું કેવું રહેશે ? જાણો નવી આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ વચ્ચે હવે ખેડુતો ચિંતાગ્રસ્ત બન્યા છે. આપણે ત્યાં કહેવત છે કે, ગરમી વધુ પડે તો ચોમાસામાં વરસાદ સારો થાય. પરંતુ ચાલુ વર્ષે તો ઉનાળાની શરુઆતથી માવઠુ માર્ગ ભુલતો નથી. કાળઝાળ ગરમી પડવાને બદલે આ ઉનાળામાં ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળો અડધો પૂર્ણ થઇ ગયો છે. તેમ છતાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ બની રહી છે. જેના કારણે કમોસમી વરસાદ થાય છે અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચું રહે છે.

આ વખતે ઉનાળામાં ચોમાસાનો અહેસાસ થઇ રહ્યો છે. ઉનાળામાં જ વરસાદ થઇ રહ્યો છે. તો ચોમાસામાં વરસાદ થશે કે નહી, ચોમાસું કેવું રહેશે તેની ચિંતા સૌ લોકો કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તિનું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતાં તેઓએ અલગ અલગ નિવેદન સામે આવ્યું છે. 

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું મધ્યમ રહેવાની શક્તા રહેશે અને રોહિણી નક્ષત્રમાં શરુઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જુન માસમાં અરબ સાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. સંભવિત માર્ગ ઓમાન તરફ હોય તો ઓછો વરસાદ થાય પરંતુ મહત્વનું છે કે, ચાલુ વર્ષના ચોમાસાની પેર્ટન કોઈ અલગ પ્રકારની રહેવાની શક્યતા છે. તેમજ ચોમાસું 90થી 96 ટકા રહેવાની ગણતરી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 2023નું ચોમાસું સારું રહેશે. ચાલુ વર્ષે માવઠા થયા છે તે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે થયા છે. ચોમાસા માટે જે અનુકુળ હોવુ જોઈએ તે છે ઉતર ભારતના મેદાની વિસ્તારનુ તાપમાન. ઉતર ભારતના મેદાની તાપમાન એપ્રિલ મહિનામાં સારું જોવા મળ્યુ છે અને મે મહિનામાં પણ તાપમાન સારુ રહેશે. એટલે ચોમાસામાં અનુકુળ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિએ જણાવ્યુ હતું કે, પૂર્વાનુમાન છે કે, દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. પરંતુ વારંવાર માવઠુ થઇ રહ્યુ છે. જેની અસર ચોમાસા પર પડશે કે નહી તે કહેવુ મુશ્કેલ છે. પરંતુ ગરમી અને ચોમાસાને વન ટુ વન કોઈ સબંધ નથી.