આગાહી@હવામાન: આ અઠવાડિયુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેવું હશે વાતાવરણ ? જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જાણે બ્રેક મારી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. ત્યારે ગુજરાતીઓએ હજી પણ વરસાદની રાહ જોવી પડે તેવું અનુમાન સામે આવ્યુ છે. અમદાવાદ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં કેટલાક જિલ્લાઓ સિવાય આખું રાજ્યનું વાતાવરણ શુષ્ક રહે તેવું અનુમાન છે. તો સામાન્ય માણસની સાથે ખેડૂતો પણ આ વરસાદની રાહ જોઇને બેઠા છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ કે, એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં સૂકું રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે, ગુજરાતમાં આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ડ્રાય રહેવાની સંભાવના છે. ત્યાં વરસાદની કોઇ સંભાવના નથી. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પણ ડ્રાય રહેવાની સંભાવના છે.' આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાત અંગે આગાહી કરતા જણાવ્યુ કે, અહીં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સપ્ટેમ્બર માસ અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં કોઇ સારી સિસ્ટમ ડેવલોપ થઇ નથી રહી. બે અથવા તો ત્રણ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ સક્રિય થશે અને લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે. જેનાથી હવે બે સપ્ટેમ્બરની આસપાસ સિસ્ટમ તૈયાર થશે. એકથી પાંચ સપ્ટેમ્બરમાં વરસાદ જોવા નહીં મળે. જેના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, પાંચથી આઠ-નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. આ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સારો વરસાદ પડવાની સંભાવના દેખાઇ રહી છે.