ધાર્મિક@બનાસકાંઠા: ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જાણો કયારથી મેળો થશે શરૂ ?

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક

આ વખતે 29મી સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો પર્વ આવી રહ્યો છે. જેના પગલે બનાસકાંઠાનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી અહીં મેળાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. તે જોતા અહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના પણ છે. આ સાથે હજારોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણોમાં વંદન કરવા પગપાળા યાત્રા કરી આવતા હોય છે. માં અંબાના ભક્તોની પગપળા દર્શન અર્થે આવવાની આ યાત્રા સુખદ રહે તે અંગે અનેક સંસ્થાઓ પણ કામે લાગી છે.

પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર કેમ્પ લગાવાયા છે. રસ્તાની સાઈડમાં પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર કેમ્પ બનાવાયા છે. પદયાત્રીઓ માટે નાસ્તો, ભોજન સહિત તમામ સુવિધાઓ કેમ્પમાં ઉપ્લબ્ધ કરાવાઇ છે. ભક્તો માટે મનોરંજનથી લઇ મેડિકલ સારવાર સુધીની તમામ સુવિધાઓ કેમ્પમાં ઉપ્લબ્ધ કરાઈ છે. ભાદરવી પૂનમ મેળા નિમિત્તે રાજ્યભરમાંથી લાખ્ખો ભાઈ ભક્તો ‘મા’ અંબાના દર્શન માટે પગપાળા અંબાજી જતા હોય છે. મા અંબાની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને લાખ્ખો માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ઝીરો વેસ્ટનો ઉત્સવ બનાવે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ ગાંધીનગર ખાતે ‘અંબાજી પદ યાત્રા-ઝીરો વેસ્ટ’ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું.

અંબાજી પગપાળા યાત્રા 'હરિત યાત્રા'ની સાથે સાથે ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બની રહે, તેવા ઉમદા હેતુથી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ચ-૦ નર્સરી, ગાંધીનગર ખાતેથી આજે 'ફ્લેગ ઓફ' કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈએ કહ્યું હતું કે, પ્રતિ વર્ષ “આશરે 25થી 30 લાખ ભક્તો પગપાળા યાત્રા કરે છે. 300 કિમી જેટલા અંબાજી પગપાળા માર્ગ પર ઉદ્દભવતા કચરાનું વ્યવસ્થાપન કરી પર્યાવરણની જાળવણી કરવી આવશ્યક છે. આજનો આ “અંબાજી પદયાત્રા ઝીરો વેસ્ટ” ઉત્સવએ “શ્રધ્ધા સાથે પર્યાવરણના સંરક્ષણનો સમન્વય” બની રહેશે.

વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો નાનો પ્રયાસ સ્વચ્છતાનો મોટો સંદેશ આપે છે. ભાદરવી પૂનમે અંબાજી પગપાળા દર્શને જતાં લાખ્ખો પદયાત્રીઓ દ્વારા વિવિધ કેમ્પો પર ઉત્પન્ન થતાં પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્રીત કરીને તેનો યોગ્ય નિકાલ કરવો પણ મા અંબાની ઉમદા ભક્તિ જ છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવો નવી ચેતના સાથે એકબીજાને જોડે છે. ભાદરવી પૂનમે દર વર્ષે અંબાજી ખાતે યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યાત્રીઓ માટે પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.