હવામાન@ગુજરાત: પશ્ચિમી પવનોના લીધે ભેજનું પ્રમાણ વધ્યું, રાજ્યમાં ઉકળાટથી લોકો પરેશાન

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં એક સમયે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જોકે, હવાનું વહેણ બદલાતા ગરમીનો પારો અટકી ગયો છે. પશ્ચિમ પવનો ભેજ લઈને આવતા હોવાથી લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે પરંતુ ગરમીનું જોર ઘટ્યું છે. રાજ્યમાં સૌથી ઊંચું 42 ડિગ્રી તાપમાન ગુરુવારે રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં પણ આકરી ગરમીના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. આગામી 4 દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. જોકે, ક્યાંક લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની આછી-પાતળી સંભાવના છે.

રાજ્યના આગામી 5 દિવસના હવામાન અંગે આગાહી કરીને મનોરમા મોહંતીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આજથી 4 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે, અને વરસાદ થવાની મોટાભાગે સંભાવના નથી. રાજ્યનું તાપમાન પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

વધુમાં ડૉ. મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, ગુજરાત માટે હીટવેવની વોર્નિંગ નથી, પરંતુ હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ માટે આગામી 4 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 

વરસાદ અંગેની સંભાવનાઓના સવાલ પર અમદાવાદ હવામાન કેન્દ્રના ડૉ. મોહંતીએ કહ્યું છે કે, હાલ, ગુજરાતમાં વરસાદની લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. જોકે, લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટી થઈ શકે છે. હાલ ગુજરાતમાં પશ્ચિમી પવનો આવી રહ્યા છે. તેમને વાવાઝોડા અંગે સવાલ કરવામાં આવ્યો હતો કે તેમણે આવી કોઈ સિસ્ટમ સક્રીય થઈ હોવાની આગાહી કરી નથી.

તેમણે કહ્યું હતું કે, હાલ પશ્ચિમી પવન અરબી સમુદ્ર થઈને ગુજરાતમાં આવી રહ્યા છે. જે હવાઓ ભેજ લઈને આવી રહી છે. જમીન ગરમ થવાથી અને ભેજ હોવાથી વાદળો બની રહ્યા છે. જ્યાં વરસાદની સંભાવના હશે તે અંગે ત્રણ કલાક પહેલા આગાહી કરવામાં આવશે. રાજ્યમાં નલિયા, ઓખા, રાજકોટ સહિત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે.