ચકચાર@દેત્રોજ: સરપંચ પત્ની વતી લાંચ લેતાં ઝડપાયા પતિ, એસીબીએ પતિ પત્નીને આરોપી બનાવ્યા

 
Detroj ACB

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

એસીબીએ આખા રાજ્યમાં જબરજસ્ત સપાટો પાડી લાંચિયાઓને ઝડપવા જે તેજ ગતિએ કામ શરૂ કર્યું છે તેમાં ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ગામમાં સરપંચ પોતાની પત્ની હોવાથી પતિદેવ બેફામ બની લાંચ માંગી રહ્યા હોઈ એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે. ચોંકાવનારી વાત એ છે કે, સરપંચ બની ગામનો વિકાસ કરવા ઈચ્છતાં મહિલાને આખરે પતિની સાંઠગાંઠમાં આરોપી બનવાનો વારો આવ્યો છે. દેત્રોજ તાલુકાના ગામમાં કોન્ટ્રાક્ટરે સ્મશાનની દિવાલ બનાવ્યા બાદ પેમેન્ટ બાબતે સરપંચના પતિએ લાંચ માંગી હતી. ઘટના મુજબ કામની રકમના 10 ટકા લાંચ લેતાં જતાં મહિલા સરપંચના પતિ જાહેરમાં રંગેહાથ ઝડપાઇ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કરણપુરા ગ્રામ પંચાયત હેઠળ સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાનની દિવાલ બનાવવાની કામગીરી થઇ હતી. આ કામના કોન્ટ્રાક્ટરે કામના પેમેન્ટ બાબતે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા સરપંચના પતિએ સદર કામની રકમના 10% લેખે લાંચની માંગણી કરી હતી. આથી આ કોન્ટ્રાક્ટર કરણપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હેતલબેન કિશનજી ઠાકોર અને તેમનાં પતિ કિશનજી કેશાજી ઠાકોરના ઘેર ગયા હતા. આ દરમ્યાન વાતચીતમાં રકઝકનાં અંતે 10,000 આપવાનું નક્કી થયું હતુ. જોકે ફરીયાદી એવા કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ના હોવાથી એસીબી પોલીસનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

આથી અમદાવાદ ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે આજે લાંચના છટકાનુ આયોજન ગોઠવ્યું હતુ. મહિલા સરપંચના પતિ કિશનજી ઠાકોરે સરપંચ પત્ની વતી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 10,000 ની લાંચ પેટે માંગી અને રકમ સ્વીકારી હતી. બરાબર આ સમયે કડી-દેત્રોજ રોડ ઉપર અમદાવાદ ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે ત્રાટકી કિશનજી ઠાકોરને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.