રીપોર્ટ@ધાનપુર: વિડિયોથી કલેક્ટર સસ્પેન્ડ થતાં હોય તો મનરેગાના કરારી કેમ નહિ? કૌભાંડી ઉપર કોણ મહેરબાન

 
Dhanpur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સૌથી વધુ ગ્રાન્ટ લેતાં ધાનપુર તાલુકામાં મનરેગાની અનેક વાતો છે પરંતુ ગત દિવસે વાઇરલ થયેલો એક વિડીયો અને પછી આણંદ જિલ્લામાં બનેલી ઘટનાથી ગંભીર સવાલો ઉભા થયા છે. એક વિડીયોથી જિલ્લાના સૌથી તાકાતવર કલેક્ટર સસ્પેન્ડ થતાં હોય તો મનરેગાના કામોમાં બેનંબરી રકમ ઉઘરાવતા કરારી કેમ સસ્પેન્ડ થતાં નથી? જનતાનાં એવી વાતો ફેલાઇ ગઇ છે કે, બાહુબલીના આશીર્વાદ છે નહિતર આ વિડીયો જો અન્ય જિલ્લામાં વાઈરલ થયો હોત તો તુરંત કરારીનો કરાર સમાપ્ત થઇ જાત. તો સવાલ એ ઉભો થાય છે કે, વિડીયોમાં રીતસર ખાનગી જગ્યામાં મનરેગાના કરારી ગોઠવણ પાડી રહ્યા છતાં તપાસ પણ કેમ નહિ? આટલુ જ નહિ, આ કરારી નોકરીના સમયે ખાનગી જગ્યામાં કેમ ઉઘરાણાં ચલાવતાં હતાં? સમગ્ર મામલે મનરેગા એક્ટની સ્પષ્ટ જોગવાઇ છતાં કથિત કૌભાંડના કરારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી. કોની છે મહેરબાની અને કોણ મામલો ઠારવા સક્ષમ તેનો સ્પેશિયલ રિપોર્ટ..

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ગત દિવસે એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો હતો, જેમાં મનરેગાના કર્મચારીઓ કોઈ ખાનગી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં ગતિવિધિ કરતાં જણાતાં હતા. વીડિયોમાં કોઈ ઈસમ સવાલો પૂછે છે કે, કેમ મનરેગાના ટેકનિકલ થઈને ખાનગી જગ્યામાં ઉઘરાણી કરો છો, કેમ પૈસા લો છો ત્યારે સામેનો વ્યક્તિ પોતાનો પરિચય ટેકનિકલ આપી ઉઘરાણી સામે મૌન રહે છે. આ વિડીયો બાદ ધાનપુર સહિત સમગ્ર પંથકમાં મનરેગાના નામે ગેરકાયદેસર ઉઘરાણીનો મામલો જબરજસ્ત ગરમાયો છે. ઘટના બાદ અચાનક આ સ્થળે અવરજવર બંધ થાય છે અને તાલુકા પંચાયતમાં પણ વિવાદાસ્પદ કર્મચારીઓની હાજરી પાંખી થાય છે. જોકે વિડિયોના દ્રશ્યો અને મામલાની ગંભીરતા છતાં તાલુકા પંચાયત, ગ્રામ વિકાસ એજન્સી કે જિલ્લા પંચાયત દ્રારા કોઈ કાર્યવાહી નથી. નીચેના ફકરામાં પણ વાંચો હજુ..

સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં પણ કલેક્ટર સંબંધિત એક વિવાદિત વિડિયો મામલે રાજ્ય સરકારે સૌથી તાકાતવર એવા કલેક્ટરને એક ઝાટકે સસ્પેન્ડ કરી દીધા છે. જોકે ધાનપુર તાલુકાના વિવાદિત કરારી કર્મચારી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ નહિ? વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે, વિવાદીત કર્મચારી ખાનગી જગ્યામાં શંકાસ્પદ ગતિવિધિ કરી રહ્યો છતાં ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશો કરારી વિરુદ્ધ ધોરણસર કેમ કરતાં નથી? આ સવાલના ઉંડાણમાં જતાં ધ્યાને આવ્યું કે, મનરેગા સાથે સંકળાયેલ ખાનગી સંસ્થાના આકાઓ મોટા માથાના છે. એટલે કે સ્થાનિક દિગ્ગજ અને પંથકમાં બાહુબલીના સમર્થકો હોવાથી વિડિયો બાદ તુરંત એક્શન ના લેવાય તેવું શક્ય છે. આમ તો ખરેખર પારદર્શકતાને લીધે અને સરકારની છબી માટે ટીડીઓએ તુરંત પોતાનું સ્ટેન્ડ આપવુ જોઈએ કે, વિવાદાસ્પદ કર્મચારીઓ ત્યાં શું કરતાં હતા ? કમસેકમ મનરેગાની પારદર્શક અમલવારી માટે પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ વિવાદાસ્પદ કરારી કર્મચારી મામલે પોતાનો પક્ષ મૂકવો જોઈએ‌. 

કેમ બાહુબલીના આશીર્વાદ અને કેવી અડે છે તાર?

સ્થાનિકો જણાવે છે કે, મનરેગા સાથે એક દિગ્ગજ નેતાભાઇના માણસો સંકળાયેલા છે. "રાજ" ના નેજા હેઠળ આ માણસો મનરેગાના કરારી સાથે સીધા સંકળાયેલા હોઈ જો કરારી સામે કાર્યવાહી થાય તો "રાજ" ના રાઝ પણ ખુલી શકે છે. આવી સ્થિતિમાં વિવાદાસ્પદ વીડિયોના કરારીને એક રીતે મજબૂત પીઠબળ મળતું હોઈ આણંદના કલેક્ટર સસ્પેન્ડ થાય પરંતુ મનરેગાના કરારી અડીખમ રહ્યા છે.