ગંભીર@પાંથાવાડા: માર્કેટયાર્ડમાં સેસની હાઇ લેવલની તપાસ થાય તો અનેક ઘરભેગા થાય, જાણો કેમ નથી કરતાં તપાસ

 
Panthavada

અટલ સમાચાર, ડેસ્ક

પાંથાવાડા ગંજબજારમાં થતો વહીવટ શું દૂધ જેવો સફેદ અને એકદમ ક્લિયર હશે ? આ વાત ગળે એવી નથી. કેમ કે વધુ એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં લાગે છે કે, ગંજબજારને જાણે ઘરની પેઢી હોય તેમ ચલાવી રહ્યા છે. સેસનો હિસાબ એકદમ ચોખ્ખો અને દૈનિક હોવો જોઈએ પરંતુ પાંથાવાડા ગંજબજારમાં તો સેસનો હિસાબ 12 મહિને થઈ રહ્યો હોવાનું જાણમાં આવતાં ગંભીર સવાલો ઉભા થયા છે. રોજેરોજ, અઠવાઠિક કે માસિક ધોરણે સેસનો હિસાબ કરવાને બદલે ઈરાદાપૂર્વક છેક 12 મહિને થાય છે. આ 12 મહિને સેસનો હિસાબ પણ મનસ્વી કરીને કમાણીના ઈરાદાઓ પાર પાડવામાં આવી રહ્યા છે. જો આ સેસ મામલે છેક ગાંધીનગરથી હાઇ લેવલની તપાસ થાય તો અનેકના પગે રેલો આવે અને કડક કાર્યવાહીમાં ઘરભેગા થાય તેવી શક્યતા છે. જાણો સમગ્ર અહેવાલ...

પાંથાવાડા ખરીદ વેચાણ સંઘના વહીવટના અનેક રિપોર્ટ બાદ નાણાંકીય બાબતની ચોંકાવનારી વિગતો મળી આવી છે. ખેડૂતો અને વેપારીઓથી ધમધમતા રહેલા પાંથાવાડા ગંજબજારમાં અગાઉના વર્ષોમાં ખૂબ મોટાપ્રમાણમાં વિવિધ કૃષિ પાકોની આવક થયેલી છે. જો તેની એકદમ સચોટ અને પારદર્શક રીતે સેસ આવક જોવામાં આવે તો મોટી રકમનું ભંડોળ ધ્યાને આવે. હવે આ વાત એટલા માટે સામે આવી કે, પાંથાવાડા ગંજબજારના સેક્રેટરી કે ચેરમેન સહિતના સત્તાધીશો સેસનો હિસાબ વાર્ષિક કરી રહ્યા છે. નિયમો મુજબ હરાજીથી વેપારીઓએ ખરીદેલ કૃષિ પાકની સેસ રોજેરોજ લેવાવી જોઇએ. સંભવતઃ આ સેસ અઠવાઠિયે અથવા 15 દિવસે થાય તો પણ હિસાબ બરાબર મળી આવે પરંતુ પાંથાવાડા ગંજબજારમાં પરિસ્થિતિ મનસ્વી છે. આખા વર્ષમાં થયેલી હરાજી ઉપરની સેસ વર્ષે લેવામાં આવે અને તેમાં પણ મરજી મુજબનો હિસાબ થાય છે. ઈરાદાપૂર્વક 12 મહિને સેસની ગણતરી કરે અને આ દરમ્યાન વેપારી લાયસન્સ રીન્યુ કરાવવા આવે ત્યારે હિસાબ બરોબરનો થાય છે. આ હિસાબ પણ દરમ્યાન મનસ્વી ગણતરી કરીને લાખો રૂપિયાની આવક ગજવે થતી હોવાની પણ બૂમરાણ મચી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ગંજબજારમાં રોજેરોજ સેસનો હિસાબ લેવામાં આવે છે પરંતુ પાંથાવાડા માર્કેટયાર્ડમાં પરિસ્થિતિ વિપરીત છે.‌ જાણકારો માને છે કે, જો ગાંધીનગરથી સહકાર વિભાગના નિયંત્રણમાં ઉચ્ચ સ્તરીય અને પારદર્શક તપાસ થાય તો અનેકને રેલો આવે તેમ છે. આ તપાસથી સેસમાં થતી ગરબડ અને લાલિયાવાડીનો પર્દાફાશ થાય અને સાથે સાથે અનેકને ઘરભેગા થવું પડે તો નવાઇ નહિ. આ પરિસ્થિતિની પૂરેપૂરી શક્યતા હોવા છતાં જો અનેક ગંજબજારમાં સેસની તપાસ કરવામાં આવે છે તો પાંથાવાડા ગંજબજારમાં કેમ નહિ ?

ડેરીની મિટીંગ બાદ શું સહકાર મંત્રી માર્કેટયાર્ડ બાબતે બેઠક કરશે ?

તાજેતરમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સચિવ ભીમજીયાણીએ વિવિધ દૂધ સંઘની એક બેઠક બોલાવી જરૂરી સુચનો કર્યા હતા. જોકે હવે સહકાર મંત્રી રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાબતે કોઈ મિટીંગ કરી શકે તો નવાઇ નહિ. આવી સ્થિતિમાં પાંથાવાડા ગંજબજારના વહીવટ બાબતે સહકાર મંત્રીને જાણ કરી ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવાની દોડધામ શરૂ થતાં મામલો ગરમાયો છે.