રિપોર્ટ@પંચમહાલ: વડી કચેરીના પત્રનો અમલ થાય તો એકસાથે 4 વિકેટ પડે, રિકવરી પણ શક્ય બને

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાજ્ય સરકારની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ એક ફરિયાદ આધારે સંબંધિત ગ્રામ વિકાસ એજન્સીઓને પત્ર લખી વિવાદવાળા 61 કર્મચારીઓની તપાસ ઉઠાવેલી છે. જેના પગલે અનેક જિલ્લાઓમાં લાયકાત, ઉંમર અને અનુભવ મામલે યોગ્યતા નહિ ધરાવતાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જોકે આ બાબતની અમલવારી હજુસુધી પંચમહાલ જિલ્લામાં ના થતી હોઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જાણકારોના મતે, જો જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવે તો સરેરાશ 4 જેટલી વિકેટ પડે તેમ છે અને સામે સરકારને રિકવરી પણ મળે તેમ છે. જાણો મંગલમમાં મિશનનો સ્પેશિયલ રિપોર્ટ...

અન્ય જિલ્લાઓની જેમ પંચમહાલ જિલ્લા પંચાયત, ગ્રામ વિકાસ એજન્સીને લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ પત્ર લખી યોગ્યતા નહિ ધરાવતાં કર્મચારીઓની તપાસ કરવા કહ્યું છે. આટલું જ નહિ જીએલપીસીએ તો નામજોગ યાદી આપી અને તપાસમાં જો લાયકાત માલૂમ ના પડે તો તાત્કાલિક અસરથી છૂટાં કરવાનું પણ જણાવેલું છે. આ પત્ર થયાને ખૂબ લાંબો સમય વીતી ગયો પરંતુ પંચમહાલ જિલ્લા પંચાયત, ગ્રામ વિકાસ એજન્સીએ હજુસુધી તપાસ કાર્યવાહી કેમ નથી કરી તે ચોંકાવનારો સવાલ છે. મહેસાણા, ગાંધીનગર સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં લાયકાત વગરના કેટલાય કર્મચારીઓને ડીડીઓ દ્વારા છૂટાં કરવામાં આવ્યા પરંતુ પંચમહાલમાં કોઈ અસર નથી.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખા હેઠળ એવા કુલ 4 કર્મચારીઓ છે કે જેમની તપાસનો વિષય હજુસુધી અધ્ધરતાલ છે. સરકારની કચેરીએ સરકારના જ એક અધિકારીને તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવા જણાવેલું છે પરંતુ પંચમહાલ જિલ્લામાં રાજકારણનો ભારે દબદબો છે. આ કારણથી કોઈને કોઈ રીતે અસર પણ થઈ શકે તેવી શક્યતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિવાદવાળા 4 કર્મચારીઓ હજુસુધી કરાર આધારિત મિશન મંગલમની કામગીરી કરી રહ્યા છે. જોકે પારદર્શક અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તપાસ થાય તો 4 વિકેટ તો પડે, સાથે સાથે રિકવરી પણ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.