ઘટના@ગુજરાત: છાત્રાલયમાં વિદ્યાર્થીની બીમાર પડી, ભૂવાએ તમામ વિદ્યાર્થિનીઓને દોરા બાંધ્યા, શિક્ષણ વિભાગમાં ચકચાર

 
Bardoli

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના બારડોલી તાલુકામાં એક વિદ્યાર્થિની બિમાર પડી તો દવા કરવાની જગ્યાએ ભૂવાને બોલાવ્યો હતો અને વિદ્યાર્થિનીને લાલ દોરો બાંધીને પીછી ફેરવી ભૂવાએ વિધિ કરી હતી.મઢી ગામના વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળામાં એક વિદ્યાર્થિનીની રાત્રે અચાનક તબિયત બગડી હતી અને બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી તો આ સમયે તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમશાળામાં ધો. 9 થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

આ ઘટના બાદ આશ્રમની ગૃહમાતાએ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ ગામના ભૂવાને બોલાવ્યો હતો અને ભૂવાએ કહ્યું હતું કે, વિદ્યાર્થિની ઉપર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે. આમ કહ્યા બાદ ભૂવાએ વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. સાથે સાથે ત્યાં હાજર તમામ વિદ્યાર્થિનીઓ ઉપર પીછી ફેરવી હતી અને હાથે લાલ દોરા બંધાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રીતે વિદ્યાર્થીનીઓના હાથે લાલ દોરા બાંધવામાં આવતા શિક્ષણ વિભાગમાં ચકચાર મચી છે. ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં ધોરણ 9થી 12માં લગભગ 140 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. કન્યા છાત્રાલયમાં અંધશ્રદ્ધાના દોરા બાંધવામાં આવતા અહીં સવાલ ઉભા થાય છે કે ગુજરાતમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ કયારે અટકશે? વિદ્યાર્થિનીઓને દોરા બાંધનાર ભૂવા સામે કાર્યવાહી થશે આવા અનેક સવાલ થાય છે.