કવાયત@ગુજરાત: નવા DGPનો પરિપત્ર: પોલીસ લખેલી નેમપ્લેટ હશે તો દંડ, ટૂ-વ્હીલરમાં હેલ્મેટ-કારમાં સીટ બેલ્ટ ફરજિયાત
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના પોલીસવડાએ કેટલાક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓ કડક શબ્દોમાં પરિપત્ર દ્વારા ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય બાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરડાઇ છે. પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરતા હોય છે.
આરોપીઓને પકડવા માટે પોલીસ નંબર પ્લેટ વગરની કાર તેમજ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ પાસે જે કાર હોય છે તેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે. આજ દિવસ સુધી પોલીસ કર્મચારીના કાર પર લાગેલી બ્લેક ફિલ્મ ઊતરી નથી પરંતુ હવે તે શક્ય બની જશે. રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ પોલીસની કાર પરથી બ્લેક ફિલ્મ હટી જશે. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસની એજન્સીઓમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જોકે, હવે ફરજિયાત પોલીસ કર્મચારીઓને પણ બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે.
પરિપત્રમાં પોલીસકર્મચારીઓએ પાલન કરવાના નિયમો
1. પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહીં જવા સૂચના છે. તેઓ જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સૂચના છે. જેથી જાહેર જનતામાં તે બાબતે હકારાત્મક છબિ ઉદભવશે.
પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની ગરિમા જળવાઇ તે રીતે ફરજ બજાવવી જોઇએ. જ્યારે યુનિફોર્મમાં 2. ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ.
3. પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતાના ફોર વ્હીલરમાં લગાડેલી બ્લેક ફિલ્મ (કાળાકલરની પટ્ટી) હોય તો તરત જ કાઢી નાંખવી અને આ બાબતે 4. સુપરવિઝન અધિકારીઓ પોતાની હેઠળ ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓના ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાડેલ હોય તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી.
કેટલાંક ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોય છે, જે ન હોવી જોઇએ. પોતાનાં વાહનોની આગળ પાછળ આ પ્રકા૨નાં લખાણ લખેલાં ન હોવાં જોઇએ અને જો હોય તો તુરંત જ તેને દૂર કરી દેવાં અને સુપરવિઝન અધિકારીઓએ આ બાબતે મોનિટરિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરાવવી.
5. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ખાતાની કચેરીઓની બહાર પણ ટ્રાફિક ડ્રાઇવનું સરપ્રાઇઝ અને ઇફેક્ટિવ આયોજન કરવું.
6. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓએ પોતાની ફ૨જવાળી જગ્યાએ ફ૨જ દરમિયાન જાહેર જનતામાં ટ્રાફિકના નિયમો બાબતેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવી જોઇએ. ઉપરાંત ડ્રાઇવ દ૨મિયાન જાહેર જનતામાં ટ્રાફિકની જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.
7. ટ્રાફિકના કર્મચારીઓને ટ્રાફિકની ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવવી જોઇએ અને આ બાબતે સુપરવિઝન અધિકારીએ ટ્રાફિક કર્મચારીઓ પાલન કરે તેનું મોનિટરિંગ કરવું જોઇએ.
8. ટ્રાફિકના કર્મચારીઓએ ટ્રાફિકની ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે. આ બાબતે સુપવિઝન અધિકારીએ ટ્રાફિક કર્મચારીઓ પાલન કરે તેનું મોનિટરિંગ કરવું જોઇએ.
9. ટ્રાફિકના અધિકારી/કર્મચારીઓની સાથેના મદદરૂપ થતા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ અને હોમગાર્ડના જવાનોએ ટ્રાફિક નિયમનની કામગીરી જ્યારે જ્યારે કરવાની થાય ત્યારે બોડી રિફ્લેક્ટર સાથે ફરજ બજાવવાની રહેશે.
10. આપના કાર્યક્ષેત્રમાં કોઈ પણ પોલીસ અધિકારી, કર્મચારી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જણાઇ આવશે તો સુપરવાઇઝરી અધિકારીના નબળા સુપરવિઝન અંગે અત્રેથી ગંભીર નોંધ લેવામાં આવશે. જે ધ્યાને લેવા ખાસ સૂચના છે.
11. પોલીસ સ્ટેશનો ખાતે પણ આ બાબતે થાણા અધિકારી દ્વારા સતત ત્રણ દિવસ સુધી રોલકોલમાં તમામ પોલીસ અધિકારી,કર્મચારીઓ સૂચના આપવામાં આવે તેમજ ઉપરોક્ત બાબતોથી તમામને અવગત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પોલીસ સ્ટેશન ખાતે રોલકોલમાં હાજર રહી, ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવી.
12. પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ ઉપરોક્ત ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે આ સુપરવાઇઝરી અધિકારીઓએ મોનિટરિંગ કરવું, આ ઉપરાંત જાહેર જનતા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તે જાહેર જનતા વિરુદ્ધ પણ મોટર વાહન અધિનિયમ મુજબ કાર્યવાહી કરાવવા તેમજ જન જાગૃતિ લાવવા સારુ દરેક માસમાં સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા સૂચના છે. આ બાબતે તમારા તાબા હેઠળના સંબંધિત SHO, SDPO, ACP, DCPને જરૂરી સૂચનાઓ અપાઇ જવા સૂચિત કર્યા છે.