ચકચાર@અમદાવાદ: પુત્ર પ્રેમમાં અંધ બનેલા કાળિયુગી પિતાએ 5 માસની પુત્રીની જ કરી નાખી હત્યા

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાં આરોપી અંસાર અહેમદ અન્સારીએ પોતાની જ પાંચ માસની દીકરી ઈકરાનુરની ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે. 

ગઈકાલે ફરિયાદી કુરેશાબાનું પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવારમાં હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી. જોકે બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવી ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેના પતિને પોલીસે પકડી પડ્યો હતો.

સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતાં કુરેશાબાનુએ પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારઝૂડ કરતો હતો. પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો જેના કારણે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ હતી.