બેફામ@અંકલેશ્વર: અઢળક સમસ્યા વચ્ચે શહેર ધૂળિયું બન્યું છતાં વિપક્ષ ચૂપ, શાસકો સાથે કાયમી મિલીભગત?

 
Ankleshwar

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઔદ્યોગિક અને રોજગારીમાં જાણીતું અને સદાય વિકાસથી ધમધમતાં અંકલેશ્વર શહેરને કોઈની નજર લાગી છે કે ભ્રષ્ટાચારની મિલીભગતમાં સમસ્યાઓની હારમાળા સર્જાઇ છે? આ સવાલ એટલા માટે કે, છેલ્લા કેટલાય સમયથી અંકલેશ્વર પાલિકાના શાસકો અને વિપક્ષ વચ્ચે વિકાસના મુદ્દે ગંભીર શંકાસ્પદ સવાલો આવી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં રોડ રસ્તા, સ્વચ્છતા અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓમાં ગંભીર પરિસ્થિતિ છે. શહેરની હાલત એટલી હદે આવી છે કે, કેટલાક રસ્તા બાદ કરતાં મોટાભાગના રસ્તાઓ ઉપર ધૂળિયું વાતાવરણ બની ગયું છે. શહેરમાં ખુશીની લટાર હવે મુશ્કેલી વચ્ચે માંડ પસાર થવાની લટાર બની છે. હાલના શાસકો અગાઉ ખૂબ બૂમબરાડા પાડી વિકાસની માંગ કરતાં અને સમસ્યા દૂર કરવા તાકાત લગાવતાં પરંતુ શાસકો બન્યા પછી હાલત અલગ છે. આટલું જ નહિ, વર્ષોથી ભાજપના શાસન વચ્ચે શાંત વિપક્ષ રહેતાં નગરસેવકો વિરુદ્ધ ચોંકાવનારા સવાલો છે. સોશ્યલ મીડિયામાં અઢળક સમસ્યાઓ રજૂ થઈ રહી અને લેખિતમાં વાત ના પૂછો છતાં વિપક્ષી નગરસેવકો સમસ્યા ઘટાડી શક્યા નથી. શું બંને વચ્ચે કાયમી મિલીભગત તો નથી ને? આવા સવાલો ગંભીર ઈશારો કરી રહ્યા તેનો સ્પેશિયલ રિપોર્ટ......

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા નાણાંકીય રીતે મજબૂત હશે પરંતુ શું રસ્તા, ગટર અને સ્વચ્છતાની સમસ્યા સંપૂર્ણ દૂર કરવામાં મજબૂત છે? જરાક આ સવાલનો સર્વે ખુદ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન કરાવી લે તો ખબર પડી શકે કે, શહેરીજનો આ સમસ્યાથી ત્રાહિમામ છે કે કેમ? અંકલેશ્વર શહેરીજનો અને સપનાનું શહેર ઈચ્છતા રોજેરોજ રસ્તા, સ્વચ્છતા અને પાયાની સમસ્યાઓ સોશ્યલ મીડિયામાં રજૂ કરી બળાપો કાઢી રહ્યા છે. હવે જેના માથે સમસ્યા દૂર કરવાની જવાબદારી જે તેવા શાસકો વધેલો સમય મજબૂતાઇથી પાર પાડવામાં વ્યસ્ત છે તો બીજી તરફ વિપક્ષી નગરસેવકો પણ શાસકોના કામોથી અંજાઇ ગયા કે વર્તનથી તે શંકાસ્પદ છે. આવી પરિસ્થિતિમાં શું કાયમી મિલીભગત છે કે પછી અંકલેશ્વરને સપનાનું શહેર બનાવવાને બદલે સ્વ સપના પૂર્ણ કરવાની હોડ છે? તેવા સવાલો વચ્ચે હાલત પહોંચી ગઈ છે. હકીકતમાં અન્ય શહેરોની પાલિકામાં વિપક્ષ વોચ ડોગ જેવી ભૂમિકામાં હોય તો અંકલેશ્વરમાં કેમ નહિ તે સવાલ વારંવાર ઉભો થઈ રહ્યો છે.

Ankleshwar

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર નગરપાલિકાના હાલના શાસકો પણ સમસ્યાઓથી અવગત નથી એવું નથી. સોશ્યલ મીડિયામાં આખાં શહેરને દેખાય તેમ રજૂ થતી સમસ્યા અને જમીની હકીકતમાં જો ફેરફાર હોય તો પ્રમુખ તેમજ ચેરમેન એકવાર આખાં શહેરમાં લટાર લગાવી શકે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. આટલું જ નહિ, ભરપૂર સમસ્યાઓ છતાં વિપક્ષી નગરસેવકે કેટલાં પ્રશ્નો હલ કરાવ્યા ? જો સમસ્યાઓ દૂર કરાવી શકતાં નથી તો વિપક્ષી રહેવાનો હેતું કયો અને નગરસેવકોને અપેક્ષા શુ? આ સવાલો હકીકતમાં અંકલેશ્વર શહેરીજનો માટે ભાવિ સમસ્યા દૂર કરવા કે યથાવત રાખવા ખાસ અગત્યના છે. કેમ કે જો શાસકો અને વિપક્ષની આંટીઘૂંટીમાં ધૂળિયું અંકલેશ્વર સ્વચ્છ ના બની શકે તો સૌથી મોટો ઉપાય છે કે, શહેરીજનો આજીજી કરીને વડાપ્રધાનને એકવાર મુલાકાત માટે બોલાવે. જો પીએમ અંકલેશ્વર શહેરીજનોની લાગણીને માન આપી મુલાકાત લે તો ધૂળિયું અંકલેશ્વર ઝડપથી રળિયામણું બની શકે છે.