ક્રાઇમ@દાહોદ: ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી અને પછી..... સાયબર કાંડથી શિકાર કરનાર ત્રિપુટી ઝડપાઈ
અટલ સમાચાર, ડેસ્ક
દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતા એક વ્યક્તિને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. તે પછી રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ ઔપચારિક વાતચીત શરુ થઈ હતી. આ વાતચીતમાં ઠગ ટોળકીએ કુરિયર કંપનીમાં જોબ માટેની લાલચ આપી હતી. ત્યારબાદ પ્રથમ 3500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી પેટે લઈ ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ અલગ બેન્ક ખાતામાં ટુકડે ટુકડે 1.90 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ તરફ દાહોદ સાયબર સેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓ વડોદરાથી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વડોદરાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણ આરોપીમાં પ્રિન્સ બારો અને અરવિંદ ભૂરીયા બંને દાહોદ જિલ્લાના લીમખેડાના રહેવાસી અને અમિત પ્રજાપતિ ગોધરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય મળીને વડોદરાથી નેટવર્ક ચલાવતા હતા.
જેમાં ફેસબુક એકાઉન્ટ બનાવી અલગ અલગ લોકો સાથે પરિચય કેળવતા હતા. ત્યારે બાદ તેમને નોકરીની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. આ ત્રિપુટીએ પોલીસ તપાસમાં રાજ્યભરમાં 50 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. HAL Poice દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.