ગંભીર@ધાનેરા: પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીથી ગ્રામજનોમાં ભારે રોષ, તાળાબંધી કરાઇ, કારણ ચોંકાવનારું

અટલ સમાચાર, ડેસ્ક
ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળામાં એક શિક્ષકને બદલી કરી મૂકવામાં આવતા મામલો ગરમાયો છે. વિગતો મુજબ દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપીન ગુજરાલની ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. જોકે આ બદલીથી ગ્રામજનો રોષે ભરાયા છે. જોકે કારણ એ છે કે, આ શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીઓને અશ્લિલ વીડિયો બતાવ્યો હોવાના આક્ષેપ લાગ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપીન ગુજરાલની તાજેતરમાં જ બદલી કરાઇ હતી. બિપીન ગુજરાલ વિરુદ્ધ વિદ્યાર્થિનીઓને અશ્લિલ વીડિયો બતાવ્યો હોવાના આક્ષેપ લાગ્યા હતા. જેના પગલે ગુજરાલની દિયોદરની લીલાધર પ્રાથમિક શાળામાંથી છીંડીવાડી પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી. આ તરફ છીંડીવાડીના ગ્રામજનોએ શિક્ષકને શાળામાં પ્રવેશનો વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરી છે અને બિપીન ગુજરાલને શાળામાં પ્રવેશ નહીં આપવા અંગે ઉગ્ર માગ કરી છે.