કૌભાંડ@મહેસાણા: લાયકાત વિના 8 વ્યક્તિને નોકરીમાં ઘૂસાડી દીધા, ગ્રામ વિકાસમાં થયો મોટો કાંડ

 
Mehsana

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મહેસાણા જિલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તાલુકા સ્તરના કરાર આધારિત વિવિધ હોદ્દા ઉપર સરેરાશ 8 વ્યક્તિ ગેરકાયદેસર રીતે નોકરીમાં ઘૂસી ગયા છે. નોકરીમાં લેનાર અને નોકરી મેળવનાર વચ્ચે સાંઠગાંઠ રચી શૈક્ષણિક લાયકાત વગર જ નોકરી આપી દીધી છે. ગ્રામ વિકાસ એજન્સીમાં સમગ્ર કાંડ પૂર્વ ડીડીઓ અને પૂર્વ ડાયરેક્ટરના સમયમાં થયો છે. આટલું જ નહિ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને ખોટું થવાની ભનક લાગતાં રજા ઉપર જતાં રહ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી ડીડીઓની હાજરમાં ભરતી પાર પડાઈ હતી. કડી, બેચરાજી સહિતના તાલુકામાં ગેરકાયદેસર ભરતી કોણે કરી અને કેમ થઈ એ પણ જાણીએ.

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખિત પરિક્ષા વગર માત્ર કાગળ ઉપરની શૈક્ષણિક લાયકાત આધારે ઉમેદવારોને બોલાવવામાં આવે છે. આ પછી માત્ર ઈન્ટરવ્યુ ઉપર નોકરી મળતી હોવાની જાણ થતાં ગત સમયે મળતિયાઓએ મોટું સેટિંગ્સ પાર પાડ્યું હતું. ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા સહિતની વિવિધ શાખામાં બાહોશ અને પ્રામાણિક નિયામક મેહુલ દવેના સમયમાં ભરતી આવી હતી. આ દરમ્યાન ઈન્ટરવ્યુ ઉપર ભરતી થતી હોવાની વિગતો આધારે મોટા રાજકીય માથા અને વિવિધ રૂપિયા સહિતની વિવિધ પ્રકારની પહોંચ વાળાએ કાંડ ગોઠવ્યો હતો. જોકે નિયામક મેહુલ દવેને પૂર્વ આયોજિત કૌભાંડની ગંધ આવતાં સામાજિક કારણોસર રજા ઉપર ગયા હતા. આ દરમ્યાન મળતિયાઓએ એવા વ્યક્તિઓને નોકરી અપાવી દીધી કે, જેમની શૈક્ષણિક લાયકાત સેટ જ નથી, જે હોદ્દા ઉપર જે પ્રકારની શૈક્ષણિક લાયકાત જોઈએ તેવી લાયકાત સરેરાશ 8 વ્યક્તિઓને ના હોવા છતાં નોકરીમાં ઘૂસાડી દીધા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમજો કે, મનરેગાના તાલુકા કક્ષાના હોદ્દા ઉપર સ્પેશિયલ વિષયમાં સ્નાતક જોઈએ તો એવી કોઈ લાયકાત ના હોવા છતાં નોકરી આપી દીધી હતી. આ બાબતની કોઈ સોર્સ દ્વારા ખૂબ વિલંબે જાણ થતાં હમણાં જ બદલી થયેલા નિયામક પ્રજાપતિએ સુઓમોટો તપાસ આરંભી હતી. જે તે વખતે ભરતી થયેલા કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને હોદ્દા ઉપર જરૂરી લાયકાત જોતાં આંખો ફાટી જાય તેવો ઘટસ્ફોટ થયો હતો. કૌભાંડથી નોકરી લાગેલાની આખી યાદી તૈયાર કરી ડીડીઓ સમક્ષ કાર્યવાહી માટે રિપોર્ટ જવાનો હતો, જોકે આ દરમ્યાન નિયામક પ્રજાપતિની બદલી થતાં મામલો દબાઇ ગયો છે. સમગ્ર મામલે નિયામક ચાવડા અને ડીડીઓ ઓમપ્રકાશને ધ્યાને દોરવા છતાં કૌભાંડ દબાવીને બેઠા છે. કેમ કૌભાંડ દબાવે તે જાણતાં ધ્યાને આવ્યું કે, જો 8 ગેરકાયદેસરને હટાવવા જાય તો મોટા ગજાના રાજકીય વ્યક્તિના સંતાનો પણ ઘરભેગા થાય તેમ છે. આટલું જ નહિ, ગેરકાયદેસર રીતે નોકરી આપી, અપાવી મામલે ધોરણસરની ફરિયાદ પણ થાય તેવી જોગવાઈ હોવાથી કૌભાંડ દબાવી રાખ્યું છે.