ગંભીર@મોરવા: ગ્રાન્ટ પોતાના ઘરની હોય તેમ કર્યું બારોબારીયુ, તપાસમાં કચાશ ના રહે તો બીજું નદીસર

 
Morva

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવાહડફ તાલુકામાં ટૂંક સમયમાં કેટલાક ઈસમોના મોર વગર ચોમાસે બોલે તેવી પ્રબળ શક્યતા છે. ગોધરા તાલુકાનું એક નદીસર બહાર આવ્યું પરંતુ હવે મોરવાહડફમાં પણ બીજું નદીસર કાંડ બહાર આવે તેમ છે. કથિત ભ્રષ્ટાચારીઓએ જાણે ઘરની પેઢી હોય તેમ ગ્રાન્ટમાં બારોબારીયુ કર્યાની આખા ગામમાં બૂમરાણ છે. જો તપાસમાં કોઈપણ કચાશ ના રહે અને ગમે તેવી ભલામણને સાઇડ કરવામાં આવે તો એકસાથે અનેક ભ્રષ્ટાચારીઓ બહાર આવી શકે છે. આટલુ જ નહિ, ભ્રષ્ટાચારનો આંકડા બાબતે એવો અંદાજ છે કે, આખા પંચમહાલ જિલ્લામાં સૌથી મોટું કૌભાંડ ઝડપાય તો નવાઇ નહિ. કઈ ગ્રાન્ટમાં કોણે કર્યું હોઈ શકે કૌભાંડ તે જાણીએ વિગતે..

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં કૌભાંડનો રાફડો ઝડપાયા બાદ મોરવાહડફમાં બીજો રાફડો નિકળી શકે છે. વંદેલી ગ્રામ પંચાયતે નાણાંપંચની ગ્રાન્ટનો નિયમોનુસાર ખર્ચ નથી કર્યો અને મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની રજૂઆત થઈ છે. ગ્રામ પંચાયતને મળતાં 70 ટકા નાણાંપંચના અને 20 ટકા તાલુકા પંચાયતના કામોમાં પણ અનિયમિતતા હોવાની વાત આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે મનરેગાના વિકાસના કામોમાં સવાલો તો ઉભા જ છે. ગામમાં અનેક જાગૃત નાગરિકોના મતે, જો એકદમ કડક તપાસ થઇ જશે તો ગોધરાના નદીસર કરતાં મસમોટો ભ્રષ્ટાચાર વંદેલીમાં ઝડપાઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કૌભાંડ પ્રબળ હોવાની આશંકા એટલા માટે વધારે છે કે, નદીસરના કૌભાંડનો આરોપી એન્જિનિયર છેલ્લા કેટલાક સમયથી મોરવાહડફ તાલુકામાં ઇજનેર છે. હવે આ કૌભાંડી નદીસરમા ગેરરીતિ કરીને મોરવાહડફમાં આવ્યો ત્યારથી ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં તત્કાલીન તલાટી, સરપંચ સહિતના સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જાગૃત નાગરિકની ફરિયાદ આધારે તપાસ હાથ ધરવામાં આવેલી છે પરંતુ કૌભાંડીઓ બચાવ લેવા યેનકેન પ્રકારે દોડધામ કરી રહ્યા છે.