કૌભાંડ@નાંદોદ: ભ્રષ્ટ કર્મચારીએ સરકારને ચૂનો લગાવ્યો, 22 લાખની ગેરરીતિ પકડાઇ છતાં ભ્રષ્ટને સાચવી રાખ્યો

 
Narmda

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં ગત વર્ષોમાં એક ચોંકાવનારું કૌભાંડ થયું અને તે કૌભાંડની ફાઇલ પણ ષડયંત્ર કરી દબાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મિશન મંગલમ યોજનામાં એક કર્મચારીએ બેફામ બની ભ્રષ્ટાચાર કર્યો અને તપાસમાં સાબિત પણ થઈ ગયો છતાં મામલો દબાવી દીધો છે. આવું ક્યારેય બને ?, જી હા આવું જ બન્યું છે નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડા તાલુકાની ગ્રાન્ટમાં. મહેનતું બહેનોને તાલુકાના ભ્રષ્ટ કર્મચારીએ ગેરમાર્ગે દોરી ચેક મેળવી બારોબાર રોકડી કરી લીધી હોવાનું અધિકૃત કાગળો ઉપર સામે આવ્યું હોવાનો રિપોર્ટ અહિં જુઓ....

વનબંધુઓના જિલ્લામાં સરકાર મોટાપાયે ગ્રાન્ટ ફાળવી તેઓને આગળ લાવવા પ્રયત્ન કરે છે. જોકે નોકરીમાં આવ્યા બાદ કેટલાક ભ્રષ્ટ બની ગરીબ બહેનોના વિકાસના નાણાં પણ ગજવે કરે છે. નાંદોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં તાલુકા લાઇવલીહુડ મેનેજર જશુ વસાવાએ મિશન મંગલમ યોજનામાં કૌભાંડ આચર્યું છે. જેમાં 22 લાખથી વધુ રકમની ગ્રાન્ટ બહેનોના ઉત્થાન માટે ખર્ચ કરવાને બદલે બારોબાર કોમ્પ્યુટર અને ટેબલ ખરીદીમાં ઉડાવી દીધી હતી. આખો મામલો ધ્યાને આવતાં ગત તારીખ 20/2/2021 ના રોજ કૌભાંડના જવાબદાર ટીએલએમ જશુને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, મિશન મંગલમ યોજના અંતર્ગત રૂ 22.50 લાખની સ્ટાર્ટપ ફંડની રકમમાંથી નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના ગ્રામ સંગઠનો માટે કોમ્પ્યુટર અને પ્રીન્ટર સેટની ખરીદી સરકારની કોઇપણ ગાઈડ લાઈનને અનુસર્યા વગર કરી હતી. 

Jaherat
જાહેરાત

ખરીદી બાબતે જિલ્લાની કમિટીમાં દરખાસ્ત કરી પૂર્વ મંજૂરી મેળવવામાં આવી નથી, માત્રને માત્ર 3 ભાવ લઈને રૂ. 22.50 લાખના કોમ્પ્યુટર સેટ, પ્રીન્ટર, તિજોરી અને ટેબલ ખરીદીને જે તે ગ્રામ સંગઠનોને આપવામાં આવ્યા હતા. જો ખરેખર જરૂરીયાત જ હતી તો આ પ્રકારની ખરીદી કરતાં પહેલાં નર્મદા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખાને દરખાસ્ત કરવી પડે. આટલુ જ નહિ મિશન મંગલમ શાખા દ્વારા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મળતી કારોબારી સમીતીમાં આ ખરીદી મંજૂર પણ કરાવવી પડે. જોકે આ સમગ્ર પ્રક્રિયા કરી નહોતી. આથી ટીએલએમ જશુએ મનસ્વી રીતે ખરીદી કરી હોવાનું પકડાઇ ગયું હતુ. 

કારણદર્શક નોટીસમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, માત્રને માત્ર આર્થિક ઉપાર્જન કરવા આ કૃત્ય કરી સરકારના નાણાંનો ખોટી રીતે દુર્વ્યય કરવામાં આવ્યો હતો. સરકારનું તદ્દન અહીત કરવામાં આવ્યું હોવાથી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. તેવું કહીને ટીએલએમ જશુ વિરુદ્ધ શિસ્ત-અપીલ નિયમો અન્વયે કાર્યવાહી કેમ ન કરવી? તે અંગેનો સ્વયં સ્પષ્ટ ખુલાસો દીન-2 માં રજૂ કરવા હુકમ કર્યો હતો. તેમાં ઉલ્લેખ છે કે, જો ખુલાસો માન્ય ના રહે તો સરકારી નિયમો અનુસાર એક તરફી કાર્યવાહી કરવામાં આવશે આમ છતાં આજસુધી કૌભાંડી જશુને સાચવી રાખવામાં આવ્યો છે.

ટીએલએમ જશુએ કેવી રીતે આચર્યું કૌભાંડ ?

નાંદોદ તાલુકામાં 2018-19 ના વર્ષમાં 19 ગ્રામ સંગઠનોને સ્ટાર્ટઅપ ફંડ હેઠળ તેઓના બેંક ખાતામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ખર્ચ મિશન મંગલમ યોજનાની ગાઇડલાઇન મુજબ કરવાનો હતો. જોકે તે વખતે અને આજેપણ ફરજ બજાવતો જશુ વસાવાએ ઈરાદાપૂર્વક ગેરરીતિ આચરી કૉમ્પ્યુટર, પ્રિન્ટર, તિજોરી, ટેબલની ખરીદી કરી હતી. આ બાબત ધ્યાનમાં આવતાં તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જશુ વસાવાનું કૌભાંડ પકડાઇ ગયું હતું. તપાસ ટીમે આ બાબતે 19 ગ્રામ સંગઠનોના નિવેદનો લીધા હતા. તાલુકા લાઇવલીહુડ મેનેજર (TLM) જશુ વસાવાએ ગ્રામ સંગઠનોને રૂબરૂ બોલવી સ્ટાર્ટઅપ ફંડમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ટેબલની ખરીદી કરવા સુચના આપી હતી. સ્ટાર્ટઅપ ફંડની રકમમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર ખરીદવા બાબતે જશુએ 19 ગ્રામ સંગઠનોને જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, નેટ સર્વર વિગેરે રાજપીપળા ખાતેની બેંક ઓફ બરોડાની સામેની ગલીમાંથી લાવી દેવા, તથા ટેબલ અને તિજોરી(કબાટ) ડભોઇથી ખરીદી કરીને જે તે સેજાના ગામના કલસ્ટર કો-ઓર્ડિનેટર મારફતે ઘરે ઉતારી દેવા. 

તપાસ ટીમે આ બાબતે કલસ્ટર કો-ઓર્ડિનેટરના નિવેદન લેતાં ધ્યાને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ટીએલએમ જશુએ મૌખિક રીતે તમામ વીઓના પ્રમુખ/મંત્રીને સુચના આપી હતી કે, કોમ્પ્યુટરના 38,000 તથા ટેબલ તિજોરીના રૂા.50,000/- ના ચેક વીઓના પ્રમુખ/મંત્રી પાસેથી લાવવાના છે.‌ આથી TLMની હાજરીમાં મહીલા સંગઠનના પ્રમુખ/મંત્રીઓ નેટ ઇન્ફોસીસ, ડો.સમીર મહેતાની ગલીમાં, રાજપીપળાથી કોમ્પ્યુટર, પ્રિન્ટર ખરીદ્યા હતા. જ્યારે તિજોરી તથા ટેબલનો સામાન અર્પણ ફર્નિચર, ડભોઇથી ખરીદ્યો હતો. જશુ વસાવાની સુચના મુજબ કામગીરી કરી હોવાનું કલસ્ટર કો-ઓર્ડિનેટરે જણાવ્યું હતું.