ગંભીર@સંજેલી: મનરેગાના કૌભાંડીએ ગરીબ ખેડૂતોનું કરી નાખ્યું, ખેતરને બદલે કાગળ ઉપર સ્ટોનબંધ કરી 8લાખ વાપરી નાખ્યા

 
Sanjeli

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંજેલી તાલુકામાં મનરેગાનો ભ્રષ્ટાચાર જાણે દાદાગીરીથી થઈ રહ્યો છે કે શું? તમારા નામે બેફામ ખર્ચ પાડી સરકારમાંથી ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવે? સંજેલી તાલુકાના ગામમાં એકસાથે 2 ખેડૂતો સાથે મનરેગાના કૌભાંડી અને તેના મળતાયાએ ચોંકાવનારી છેતરપિંડી આચરી છે. જે સર્વે નંબરમાં સ્ટોનબંધ બનાવ્યો જ નથી તે સર્વે નંબરમાં કાગળ ઉપર સ્ટોનબંધ બનાવી સરેરાશ 8 લાખ ઉપાડી લીધા છે. બંને ખેડૂતોએ સર્વે નંબરવાળી જગ્યા બતાવી અને સોગંદનામુ રજૂ કરી છેતરાયાની હૈયાવરાળ ઠાલવતાં ખળભળાટ મચી ગયો છે. કોણ છે આ કૌભાંડી ટોળકી અને કેવી રીતે ખેડૂતો છેતરાયા તેની માહિતી આજે નામજોગ જાણીએ.

Sanjeli

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અગાઉ ફરજ બજાવતાં નરેશ ચારપોટનો મનરેગામાં ભારે દબદબો હતો. આ દરમ્યાન કકરેલી ગામનાં 2 ખેડૂત ભાઇઓ બારીયા ઈશ્વર ખેતા અને બારીયા રતિલાલ ખેતાભાઇએ પોતાના ખેતરમાં મનરેગા હેઠળ સ્ટોનબંધ કરવા માંગ કરી હતી. સંજેલી તાલુકા પંચાયતના તત્કાલીન MIS નરેશ ચારપોટે કુલ 40હજારની લાંચ પડાવી 2 સ્ટોનબંધ કરી આપવા ખાત્રી આપી હતી. આ પછી ખૂબ સમય વિતી ગયો છતાં સ્ટોનબંધ થયા નહિ પરંતુ કોઈએ જાણકારી આપી કે, બારીયા ભાઇઓના ખેતરમાં નહિ પરંતુ કાગળ ઉપર સ્ટોનબંધ થઈ ગયા છે. આથી બંને ખેડૂત ભાઇઓને પગ તળેથી જમીન સરકી ગઈ અને તાત્કાલિક પહેલાં ખેતરમાં તપાસ કરી અને ક્યાંય સ્ટોનબંધ જોવા નહિ મળતાં ખર્ચ પડી ગયો છે કે નહિ તેની તપાસ કરી.

Sanjeli Sanjeli

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ખેડૂત ભાઇઓના સર્વે નંબરમાં નામજોગ એક સ્ટોનબંધના 3.79 લાખ જ્યારે બીજા સ્ટોનબંધના 4.26લાખ સરકારમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. સ્ટોનબંધ થયો નથી છતાં મજૂરોના નામે અને મટીરીયલના નામે સરેરાશ 8 લાખ રૂપિયા બારોબાર ઉપાડી લેતાં સૌથી મોટી છેતરપિંડી કરી છે. સમગ્ર મામલે બંને ખેડૂત ભાઇઓએ રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદ ખાઈને સરકારમાં ફરીયાદ કરી છે કે, તત્કાલીન MIS નરેશ ચારપોટ અને તેના મળતિયાઓએ 2 સ્ટોનબંધનુ 8 લાખનુ કૌભાંડ આચરી ખુદ સરકાર સાથે પણ છેતરપિંડી આચરી છે‌. બંને ખેડૂત ભાઇઓના ખેતરમાં સ્ટોનબંધ નથી પરંતુ મનરેગાના કાગળોમાં સ્ટોનબંધ બની ગયા તે સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર કરનાર નરેશ ચારપોટ, તત્કાલીન એપીઓ, તત્કાલીન ટેકનિકલ અને ખુદ મટીરીયલ એજન્સીનો માણસ ગણી શકાય. પથ્થર, રેતી, સિમેન્ટ કે જરૂરી ચીજવસ્તુઓ આપી નથી છતાં મટીરીયલ એજન્સીએ બીલ કેમ મૂક્યું તે પણ ગંભીર છે‌.

Sanjeli