સેટિંગ્સ@સંતરામપુર: મનરેગામાં નોકરીનો પગાર તો ડીઝલમાં જતો રે, જાણો એપીઓ અજય મળતિયાની કૌભાંડલીલા

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળના કામોમાં ભયંકર ભ્રષ્ટચારનો સ્પેશ્યલ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ તપાસના ઘોડા છૂટ્યા છે. આ તરફ વધુ ઉંડાણમાં જઇને જોતાં મનરેગામાં છેલ્લા કેટલાય સમયથી ટકાવારીનો ખેલ ચાલી રહ્યાનું સામે આવ્યું છે. એપીઓ અજય અને સાગરિતોએ રીતસર મનરેગાથી બેહિસાબી આવકની જાળ બિછાવી દીધી છે. એપીઓ અજયને નોકરીનો પગાર સિફ્ટ ડીઝાયરના ડીઝલ ખર્ચમાં વપરાઇ જાય છે. નોકરી પગાર માટે નહિ પરંતુ મનરેગામાં કૌભાંડલીલા આચરી બેફામ અપ્રમાણસર આવક ભેગી કરવાનો કારસો ગોઠવી દીધો છે. જાણીએ સંતરામપુરની સચ્ચાઈનો સમગ્ર અહેવાલ...

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના શું સંપૂર્ણ પારદર્શક રીતે અમલ થઈ રહી છે ? કોઇપણ સંજોગોમાં આ વાત ગળે ઉતરે નહિ, કેમ કે મનરેગામાં કૌભાંડની સંખ્યા ગણ્યાં ગણાય નહિ ને વિણ્યા વિણાય નહિ જેવી છે. મનરેગામાં ચોક્કસ ગામોમાં ચોક્કસ પ્રકારના કામો બતાવી મોટાપાયે કટકીનુ સેટિંગ્સ રચી દીધું છે. વાત આટલી નથી, ખુદ પદાધિકારીઓ અને પ્રામાણિક અધિકારીઓ પણ એટલા ત્રસ્ત છે કે, જ્યાં અનુકૂળ વાતાવરણ મળે ત્યાં બળાપો કાઢી રહ્યા છે. આ તમામ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને યોજનાથી બે નંબરની આવક ઉભી કરતો જે વ્યક્તિ છે તે ખુદ મનરેગાનો તાલુકાનો સેકન્ડ હેડ થઈ બેઠો છે. કોતરા, હીરાપુર, બાબરોલ, ચિતવા, નાનીક્યાર, ભૂગળ, હટીપુરા અને બેણદા સહિતની ગ્રામ પંચાયતોમાં છેલ્લા 5 વર્ષમાં થયેલા મનરેગા હેઠળના કામોની તટસ્થ અને પારદર્શક તપાસ થાય તો તપાસ અધિકારીએ ફરિયાદ દાખલ કરવી પડે તેવો રિપોર્ટ મળે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકા પંચાયતના મનરેગા શાખાના એપીઓ અજય પટેલને ભ્રષ્ટચારનો એકડો જબરજસ્ત ફાવી ગયો છે. આ મહાશય રોજ 125થી 150 કિલોમીટરનું અંતર કાપે છે અને એ પણ સરકારી બસમાં નહિ, સિફ્ટ ડીઝાયર વગર અજયભાઇને ફાવતું નથી. આટલુ જ નહિ, અગાઉ ભ્રષ્ટચારની બૂમરાણ થતાં બદલી થઇ પરંતુ આ મહાશયની તાકાત જુઓ તો ગણતરીના સમયમાં ફરીથી સંતરામપુર તાલુકા મનરેગાના મલાઇદાર સીટ ઉપર આવી ગયા. સ્થાનિકોમાં બૂમરાણ છે કે, મહીસાગર જિલ્લામાં મનરેગાની જો વધુ બૂમરાણ કે ભ્રષ્ટચારનો ભોરિંગ હોય તો સંતરામપુર તાલુકો છે. જેમાં અજય પટેલ અને મળતિયાઓએ રીતસર યોજનાના નામે નાણાં બનાવવાનું જાણે બીડું ઝડપ્યું હોય તેવી દોડધામ મચાવી છે.

અજય પટેલની આવકની તપાસ કરી જુઓ, ચોંકી જશો

સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટચારથી ત્રસ્ત લોકો જણાવી રહ્યા છે કે, એપીઓ અજય પટેલની નોકરીના પગાર સિવાયની આવક તપાસવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. રોજ સિફ્ટ ગાડીમાં અવરજવર અને કેટલાક સ્થળે પોતાનાં કે સગાંના નામે રોકાણ કર્યાનું તપાસો તો ભ્રષ્ટચારનો ઘટસ્ફોટ થાય તેમ છે.