ગંભીર@સંતરામપુર: પ્રમુખને નાણાંપંચની અઢળક મંજૂરી, 58 લાખ રાતોરાત એજન્સીમાં ગયા, કામો ક્યાં

 
Santrampur
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંતરામપુર તાલુકામાં માથું ફરી જાય એવા વહીવટ થઈ રહ્યા હોવાની વિગતો ધ્યાને આવતાં ગંભીર સવાલો ઉભા થયા છે. બીજી તાલુકાના પંચાયતના પ્રમુખોથી સંતરામપુરના પ્રમુખ એવી તો કેવી વિશેષતા ધરાવે છે, જેમને નાણાંપંચની લ્હાણી થઈ રહી છે. વર્ષે સરેરાશ લાખો કરોડોની વહીવટી મંજૂરી મળે અને આ વહીવટી મંજૂરીના ગણતરીના દિવસો રૂપિયા મળતિયાની એજન્સીમાં ટ્રાન્સફર થઇ જાય છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન સરેરાશ 58 લાખ જાણે રાતોરાત ચૂકવાઇ ગયા અને હવે પરિસ્થિતિ એવી બની કે, આ 58 લાખના કામો શોધ્યાં જડતાં નથી. નાણાંપંચ હેઠળના કામોમાં કોઈ કચાશ ના રહે એ જોવાની જવાબદારી ધરાવતાં પ્રમુખ ખુદ શંકાસ્પદ બને ? મંત્રીની ભલામણ ના કરાવે એટલે 58 લાખ ટ્રાન્સફર થયાનો મામલો ગાંધીનગર લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળના કામોના અહેવાલ બાદ એવી ગંભીર વિગત સામે આવી કે, ભ્રષ્ટાચારને ડામી દેનારા જ શંકાસ્પદ બન્યા છે. તાલુકા પંચાયત પ્રમુખને 20 ટકા નાણાંપંચ હેઠળ જે વહીવટી મંજૂરી અપાઇ રહી છે તે જાણીને ઘડીભર ચોંકી જવાય છે. સભ્યોને ખૂબ જ નજીવા રકમની વહીવટી મળે જ્યારે મહિલા પ્રમુખને જાણે નાણાંપંચ હેઠળ વહીવટી મંજૂરીની લ્હાણી થઈ રહી છે. વર્ષે 25 કે 50 લાખ નહિ પરંતુ સરેરાશ એકાદ કરોડ નજીકની વહીવટી મંજૂરી 20 ટકા નાણાંપંચ હેઠળ મળી રહી છે. જેમાં એક એવી ઘટના ગત દિવસોમાં બની કે, મામલો તપાસનો વિષય બને તેમ છે. વિધાનસભા ચૂંટણીના પડઘમ દરમ્યાન સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખે અધધધધ્ 58 લાખની ગ્રાન્ટ પાસ કરી હતી. આ 58 લાખ તાલુકા પંચાયત સભ્યના ભાઇની એજન્સીને ચૂકવાયા હતા. હવે ચલો આ ગ્રાન્ટ કંઈ મરજી મુજબ વાપરવા તો આપી નહિ હોય ને, પણ આ 58 લાખના કામો તો જડતાં નથી. શું વહીવટી મંજૂરીના નામે રીતસર મળતિયાઓને સરકારી નાણાંની લ્હાણી કરાવી મેળાપીપણામાં ગોઠવણ પાડી હશે ?
સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ મહિલા છે પરંતુ પડદા પાછળ પતિ દિલીપ પટેલિયા છે. પ્રમુખને 20 ટકા નાણાંપંચ હેઠળ મળતી વહીવટી મંજૂરી પૈકી નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત ગત સમયે 58 લાખ કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવાયા છે. આ 58 લાખના કામો કયા છે ? જે કામો પેટે 58 લાખ ચૂકવાયા એ તમામ કામો હકીકતમાં થયા છે ? કાગળ ઉપર જે ગામોમાં 58 લાખના વિકાસના કામો બતાવ્યા તે ગામોમાં સંપૂર્ણ પારદર્શક રીતે નિયમોનુસાર તમામ કામો ઉપલબ્ધ છે? આ સવાલોના જવાબો હવે શોધવા પડે તેમ છે.
ભાજપના સરકારના ગરીબો માટેના વિકાસના કામો થકી ભ્રષ્ટાચાર કેમ ?
સંતરામપુર તાલુકાના જાગૃત નાગરિકો અને પ્રામાણિક તાલુકા સદસ્યો હવે ભાજપ સરકારના વિકાસના કામો સચોટ રીતે કરાવવા મહેનતમાં લાગ્યા છે. આથી તાલુકા અને ગ્રામ્ય નાણાંપંચ હેઠળના કામોમાં સહેજ પણ ભ્રષ્ટાચાર ના થાય તે માટે મહેનત શરૂ થઈ છે. આટલુ જ નહિ, ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં બહાર લાવવા કમર કસી છે.