ચિંતા@સુરત: મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો, તાવ આવ્યા બાદ ત્રણ વ્યક્તિના મોત
અટલ સમાચાર, ડેસ્ક
સુરત શહેરમાં મચ્છરજન્ય રોગના કેસ યથાવતા રહેવા પામ્યા છે. તેવા સમયે તાવ આવ્યા બાદ આભવામાં યુવાન તથા પાંડેસરામાં આધેડ અને સીમાડા નાકાનો યુવાનનું મોત નીંપજયું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ આભવાગામમાં દેસાઇ ફળિયામાં રહેતો ૨૫ વર્ષીય શુવિક્રમ ઉર્ફ રાનુ અમરબહાદુર સિંગ બે દિવસ પહેલા વતન ઉતરપ્રદેશના કાનપુરથી સુરત રોજી રોટીમાં આવ્યો હતો. બાદમાં તેને તાવ આવતો અને શરદી સહિતની તકલીફ હતી. જોકે ગુરુવારે સાંજે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં પાંડેસરામાં કિષ્નાનગરમાં રહેતા ૫૦ વર્ષીય મધુકર અર્જુન કામ્બલેને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જોકે આજે બપોરે તેની અચાનક તબિયત લથડતા બેભાન થઇ જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં સીમાડા નાકા પાસે ધન લક્ષ્મી સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષીય દલજીત રામપાલ સિંગ ગત તા.૨૨મી તાવ આવતો હોવોથી સ્થાનિક વિસ્તાર માંથી દવા લેતો હતો. જોકે ગુરુવારે રાતે તેની અચાનક તબિયત વધુ બગડતા ઢળી પડતા સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.