ઘટના@સુરત: મધરાત્રે બેફામ કાર ગણેશ મંડપમાં ઘૂસી, જાણો પછી શું થયું ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કતારગામ વિસ્તારમાં રાત્રિના 10 વાગ્યે એક લક્ઝુરિયસ કાર ગણેશ મંડપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારબાદ ડ્રાઈવર પોતાની કાર લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

કતારગામમાં ફોર વ્હીલ કાર બેકાબૂ બની હતી. ફોર્ચ્યુનર કારનો અકસ્માત સર્જાયો હતો. સેવન થ્રી ફાર્મ નજીક બેફામ બનેલી કાર મંડપના ગેટ સાથે અથડાઈ હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. ગણેશ મંડપના મુખ્ય ગેટ સાથે ફોર વ્હીલ અથડાયા બાદ કાર નો ચાલક ભાગી છૂટ્યો હતો. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માત સર્જનાર અને બેફામ સ્પીડમાં કાર ચલાવનાર કારનો ચાલક નશામાં હોવાની પણ ચર્ચા સામે આવી રહી છે. સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય બની છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સીસીટીવી પ્રમાણે કાર ચાલક કાર અથડાવે છે. તે દરમિયાન એક મોપેડ ચાલક પણ ત્યાંથી પસાર થતો દેખાય છે જેનો સદનસીબે બચાવ થયો હતો.