ઘટના@અમદાવાદ: મધરાત્રે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો, જાણો શું થયું ?

 
Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના માધવપુરામાં ઈદગાહ વિસ્તારમાં સામાન્ય બાબતે મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લારી મૂકવાની સામાન્ય બાબતને લઇને બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝગડો એ હદે વકર્યો હતો કે બે જૂથો સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. 

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને તમામ પરિસ્થિતિને થાળે પાડી હતી. પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ વધુ ના ડહોળાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પથ્થરમારો કરી રહેલા કેટલાક તત્વોને પણ પોલીસે દબોચ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી કરી છે.