મહાભ્રષ્ટાચાર@સીંગવડ: મનરેગાના નામે બેફામ મટીરીયલ ખર્ચ પાડી કરોડોની કમાણી? આઉટ ઓફ કંટ્રોલ જેવી સ્થિતિ

 
Manrega

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં તમે મનરેગા યોજનાની સચોટ અને પારદર્શક અમલવારી તેમજ લેબરોની હકીકત જાણવા ઈચ્છતા હોય તો આ સ્પેશિયલ રિપોર્ટ અગત્યનો બની શકે છે. સીંગવડ તાલુકામાં ગત નાણાંકીય વર્ષમાં જે કંઈ કર્યું કે બન્યું તે જોતાં મનરેગાના નામે મટીરીયલવાળા કામો કરી કરોડોનો સામાન ખરીદવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું છે. સીંગવડ સહિતના તાલુકામાંથી પલાયન અટકાવવા ખૂબ મહત્વની મનરેગા યોજનાનો જાણે કંઈક અલગ જ ઉપયોગ થતો હોવાની ચર્ચા જામી છે. છેલ્લા ત્રણ વર્ષના લેબર ખર્ચ સામે મટીરીયલ ખર્ચ ચકાસો તો સૌથી મોટો ઘટસ્ફોટ થાય છે. 60:40 નો રેશિયો જાણે કોઈ અસરકારક ના હોય તેમ બેફામ અને બેફાટ રીતે મટીરીયલ ખર્ચ પાડવામાં આવી રહ્યો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, સીંગવડ તાલુકામાં મનરેગાના કામો લેબર હિતમાં થઈ રહ્યા છે કે, મટીરીયલ વાળાના હિતમાં? તમારી કલ્પના બહારનો મનરેગાનો આ સ્પેશિયલ રિપોર્ટ નિયામક અને ડીડીઓને અર્પણ. વાંચો સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લામાં શું હવે તપાસ કરવાનો સમય નથી આવી ગયો કે, મનરેગા યોજનામાં લેબર અને મટીરીયલ રેશિયો કેમ ભંગ થઈ રહ્યો છે? હકિકતમાં અન્ય તાલુકા કરતાં સીંગવડમાં ચોંકાવનારો અને હચમચાવી મૂકે તેવી સ્થિતિને આ સવાલ ઉભો થયો છે. જો તમે પારદર્શક રીતે જુઓ તો સીંગવડ તાલુકામાં એવી નોબત છે કે, લેબર ખર્ચ સામે મટીરીયલ ખર્ચ આઉટ ઓફ કંટ્રોલ બન્યો છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં મટીરીયલ ખર્ચ અમર્યાદિત કરી દીધો હોવાથી સૌથી મોટી આશંકા બની છે કે, અહિં મનરેગા શું મટીરીયલ વાળા માટે છે ? લેબર ખર્ચ થાય તેવા કામોને બદલે મટીરીયલ ખૂબ વપરાય તેવાં કામો સૌથી વધારે અને વારંવાર કેમ, કોણ કરાવી રહ્યું છે? તમે વિચારી નહિ શકો કે, ગયા વર્ષે તો લેબર ખર્ચ સામે મટીરીયલ ખર્ચ 4 ગણો વધી ગયો હતો.

Dahod

સિંગવડ તાલુકામાં નાણાંકીય વર્ષ 2020-21 માં મનરેગા પાછળ મટીરીયલ ખર્ચ અધધધ.. રૂપિયા 2500.48 લાખ જ્યારે લેબર ખર્ચ માત્ર 1866.62 લાખ કરવામાં આવ્યો હતો. આ પછી નાણાંકીય વર્ષ 2021-22 માં મટીરીયલ ખર્ચ વધીને 2664.46 લાખ જ્યારે લેબર ખર્ચ માત્ર 2024.33 લાખ કર્યો હતો. જ્યારે નાણાંકીય વર્ષ 2022-23 માં પણ મટીરીયલ ખર્ચ બેફામ અને તમે કલ્પના પણ ના કરી શકો તેટલો કર્યો છે. લેબરથી 50ટકાથી પણ ઓછો મટીરીયલ ખર્ચ હોવો જોઈએ તેની સામે લેબરથી ચાર ગણો વધીને 6481.23 લાખ રૂપિયા ખર્ચ કર્યો જ્યારે લેબર ખર્ચ માત્ર 1526.06 લાખ હતો. આથી સૌથી મોટો સવાલ અને આશંકા બની છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં પણ સીંગવડ તાલુકાના મનરેગા કર્મચારીઓ અને આશીર્વાદ આપતાં અધિકારીઓને કારણે મટીરીયલ ખર્ચ અગાઉના વર્ષ કરતાં હનુમાન કૂદકો લગાવી શકે છે. નીચેના ફકરામાં વાંચો બેફામ મટીરીયલ ખર્ચ કેમ કરાય અને તેનાથી શું અસરો થાય છે તેમજ કોણ કરાવી રહ્યું છે?

Dahod

સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના લેબરો માટે છે, બેરોજગારી અટકાવવા અને દરેકને કામ આપવા માટે છે. હકીકતમાં આ મનરેગા યોજના સાથે લેબરોને/જોબકાર્ડ ધારકોને કામ લેવાનો રોજગારી લેવાનો અધિકાર આપે છે. જોકે સીંગવડ તાલુકામાં લેબરોને વધારે રોજગારી મળે તેવા કામો કરવાને બદલે માલસામાન પાછળ કરોડોનો ખર્ચ થાય તેવા કામો હાથ ધરવામાં આવે છે. આવી સ્થિતિમાં લેબરો માટેનો કાયદો કમ યોજના માલસામાન સપ્લાયરો માટે વધારે કામ કરતો હોય તેવી હાલત બનાવી દીધી છે. હવે આવી હાલત કોણ કરી રહ્યું તે પણ જાણીએ. સીંગવડ તાલુકાના મનરેગાના કરાર આધારિત કર્મચારીઓ જવાબદાર છે પરંતુ તેનાથી પણ વધુ જવાબદાર શું ડીઆરડીએ અને જિલ્લા પંચાયત કચેરી નથી? આવતાં રિપોર્ટમાં કરોડોના મટીરીયલ ખર્ચ ગણતરીના ગામોમાં કરી કોણે કરી કાળી કમાણી તેના વિશે સ્પેશ્યિલ અહેવાલમાં જાણીશું.