બ્રેકિંગ@વડોદરા: સરકારે કહ્યું, ઓનલાઈન(GEM)થી ઠેકો આપજો, પરંતુ ગ્રામ વિકાસે તો અન્ય કચેરીની એજન્સીને આપી દીધો કોન્ટ્રાક્ટ

 
Vadodara Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, વડોદરા

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મનરેગાના કરાર આધારિત કર્મચારીની લાયકાત અને અનુભવન મામલે તપાસના કોઈ ઠેકાણાં નથી અને વધુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓની ભરતી બાબતે કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો લેવામાં આવે છે પરંતુ આ કોન્ટ્રાક્ટ એજન્સી સરકારના ઓનલાઇન પોર્ટલમાંથી લેવાની હોય છે. એટલે કે મેનપાવર એજન્સી જીઈએમ પોર્ટલ મારફતે સ્પર્ધાત્મક રીતે પસંદ કરવાની હોય છે. જોકે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તો અન્ય કચેરીમાં મેનપાવર આપતી એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખુદ મેનપાવર એજન્સીએ જણાવ્યું કે, અમને સામેથી ગ્રામ વિકાસ એજન્સીએ કહ્યું એટલે અમે કેટલાક માણસો આપ્યા છે. આ ખુલાસાને પગલે હવે, એક નહિ અનેક ભરતીમાં ચોંકાવનારી પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું છે. 

Jaherat
જાહેરાત

વડોદરા જિલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ગત ઓક્ટોબર-નવેમ્બર 2022 દરમ્યાન વિવિધ કર્મચારીઓની જરૂરિયાત હતી. આથી સરકારના નિયમો અને જોગવાઈ મુજબ મેનપાવર એજન્સી દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા માણસોની પસંદગી કરવાની હતી. જોકે ભરતી કરતાં પહેલાં કઈ મેનપાવર એજન્સીમાંથી યોગ્ય ઉમેદવારો પસંદ કરવા તેને લઈને પણ જોગવાઈ છે. આ મેનપાવર એજન્સી રાજ્ય સરકારના ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ એટલે કે "જેમ" પોર્ટલ થકી પસંદ કરવાનું સરકારે જ કહેલું છે. આ બાબતે ગ્રામ વિકાસ એજન્સીને પણ પત્ર લખી જાણ કરવામાં આવેલી છે. જોકે, કોઈ કારણોસર વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ઓનલાઇનથી એજન્સી પસંદ કરવાને બદલે અન્ય સરકારી કચેરીમાં પહેલાંથી સેવા આપતી કોઈ ખાનગી એજન્સીને પસંદ કરી લીધી હતી. એટલે કે ઓનલાઇનથી પસંદ કરવાને બદલે બીજી કચેરીમાં જે એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલે છે તે એજન્સીને જ ઠેકો આપી દીધો હતો. આ બાબતે ચોંકાવનારી વિગતો ત્યારે બહાર આવી કે, ખુદ મેનપાવર એજન્સીએ સ્વિકાર્યું કે અમને સામેથી કામ આપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગત નવેમ્બર ડિસેમ્બરમાં અનેક ઉમેદવારો પસંદ કરી તેઓને ગ્રામ વિકાસ એજન્સી હેઠળ વિવિધ કામો માટે નિયુક્ત કર્યા છે. જોકે આ નિયુક્ત થયેલા કર્મચારીઓ જે એજન્સીમાંથી આવે છે તે એજન્સી સ્પર્ધાત્મક પ્રક્રિયામાંથી નથી આવી પરંતુ મનસ્વી રીતે પસંદ થઈને આવી છે. આવી સ્થિતિમાં હવે, એકમાત્ર ડીડીપીસી જ નહિ પરંતુ આ ઓનલાઈન ટેન્ડર વગર આવેલી દેવીદુર્ગા એજન્સી દ્રારા પણ ગ્રામ વિકાસ એજન્સીમાં આવેલા કેટલાક કર્મચારીઓની ભરતી સવાલો વચ્ચે આવી છે. 

શું કહ્યું ટેન્ડર વગર આવેલી મેનપાવર એજન્સીએ ?

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ શું તમને ઓનલાઇન જેમ પોર્ટલ થકી પસંદ કર્યા છે તેવો સવાલ પૂછતાં દેવીદુર્ગા એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે, અમે આગાઉથી જિલ્લાની એક બીજી કચેરીમાં માન્ય થયા બાદ મેનપાવરની સેવા આપીએ છીએ, આ વાતની જાણ થતાં તાત્કાલિક ઉમેદવારોની જરૂરિયાત હોઇ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અમને સામેથી પસંદ કરી છે. માર્ચ મહિનાથી ઓનલાઇન જેમ દ્વારા કરશે એવો અણસાર છે પરંતુ જે તે વખતે સમયને આધિન જેમ વગર ઝડપથી ઉમેદવારો મેળવવા અમને પસંદ કર્યા હોય.