પ્રકૃતિ@પાવાગઢ: જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું ઉદ્ઘાટન, 11 હજાર વૃક્ષો ઉછેરાયાં

 
Pavagadh

અટલ સમાચાર, ડેસ્ક

યાત્રાધામ પાવાગઢના સાનિધ્યમાં 74માં રાજ્યકક્ષાના વન મહોત્વસની ઉજવણી નિમિત્તે સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલાલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેપુરા-વન કવચનું નિર્માણ 1.1 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા હરસિદ્ઘી માતાના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિદ્ઘી વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું પણ ઇ-ખાતમુહુર્ત આજે મુખ્યમંત્રીએ કર્યું હતું. રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણની આ પ્રવત્તિ થકી ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત સંકલ્પને સાકાર બનાવવા માટે વર્ષ 2004થી 2022 સુધીમાં રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે.

પાવાગઢ ખાતે આજે 74માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે અત્રે બનાવવમાં આવેલા વન કવચનું લોકાર્પણ કર્યું હતું. વન વિભાગ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં અહીં કૃત્રિમ વન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વનમાં 100થી વધુ પ્રકારના 11000 જેટલા નેટિવ પ્લાન્સનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તમામ પ્લાન્ટો વન વિભાગની નર્સરીઓમાંથી લાવવામાં આવ્યા છે. એક હેક્ટરથી વધારે જમીનમાં બનાવવામાં આવેલા આ વન કવચને મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પદ્ધતિથી વન નિર્માણ કરવામાં આવ્યું છે. તે પદ્ધતિથી અહીં જમીન તૈયાર કરવામાં આવી હતી અને તેમાં 11,000 જેટલા પ્લાન્ટનું વાવેતર કરીને જંગલ બનાવવામાં આવ્યું છે.