મહામેળો@અંબાજી: કલેક્ટરના હસ્તે મંત્રોચ્ચાર સાથે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ

અટલ સમાચાર, ડેસ્ક
આજે ભાદરવી મહામેળાનો આગાજ થઈ ચૂક્યો છે. આજે સવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાને ખુલ્લો મુકાયો હતો. વહીવટી તંત્ર સાથે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા વિધિવત રૂપે મંત્રોચ્ચાર સાથે યાત્રાધામ અંબાજીમાં યોજાનાર સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી મહામેળાની શરૂઆત થઈ છે. ત્યારે આજે સવારે બનાસકાંઠા જિલ્લા કલેકટરે તેમના પરિવાર સાથે પહોંચી વિધિવત રૂપે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા અર્ચના સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે રથને ખેંચી શુભારંભ કરાયો હતો. ત્યારબાદ માતાજીની આરતી અને શ્રીફળ વધારી મંદિરને ખુલ્લું મુકાયું હતું. ભાદરવી મહામેળાના સાત દિવસ દરમિયાન અંદાજીત 30થી 35 લાખ માઇભક્તો પગપાળા સંઘો લઈને અંબાજી આવનાર છે.
આ તરફ વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઇ છે. અંબાજી આવનાર તમામ દર્શનાાર્થીઓ અને યાત્રાળુઓ માટે અનેકો નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. જેથી અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુઓ સુગમતાથી અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી શકે.