બેફામ@સંતરામપુર: અમુક ગામોમાં કરોડોની વહીવટી મંજુરી, મનરેગામાં ગોઠવણથી પદાધિકારીઓ નારાજ

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગાની અમલવારીની તપાસ કરતાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. લેબર અને મટીરીયલના રેશિયામાં ભયંકર ભંગ અને ક્યાંક લેબર જ નથી અને હવે પૂર્વ આયોજિત સેટિંગ્સનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં અપાયેલી કેટલીક વહીવટી મંજૂરીઓથી તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. અમુક ગામોમાં કરોડોની વહીવટી મંજૂરી ચોક્કસ પ્રકારના કામો માટે આપી અને તેમાં પૂર્વ પ્લાનિંગ જાણી રાજકીય આલમમાં ચકચાર મચી ગઇ છે. સત્તાધિન પાર્ટીના કેટલાક સદસ્યોની પરિસ્થિતિ બધું જોયા કરવા જેવી બની હોવાની બૂમરાણ છે. જાણીએ સંતરામપુરની મનરેગા કહાની.....

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનાની પારદર્શકતાનો ભાંડો ફુટી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24 ની વહીવટી મંજૂરી બાબતે વિગતો લેતાં મોટો ફેરફાર મળ્યો છે. જીલ્લા કક્ષાએ ડીડીપીસી કહે છે આખા જિલ્લાના માંડ 200થી 250 કામો જ્યારે એક જ તાલુકામાં 200થી વધુ કામોને મંજૂરી આપી છે. એટલે બંને કર્મચારીમાંથી કોઈ ઈરાદાપૂર્વક માહિતી છુપાવી રહ્યા છે. જ્યારે સંતરામપુર તાલુકામાં તો એટલા હદે પરિસ્થિતિ જાણવા મળી કે, બેથી ત્રણ ગામમાં જ કરોડોની વહીવટી મંજૂરી આપી અને તેમાં પણ ચેકડેમ જ બનાવવાના. ચોક્કસ ઈસમ માટે ચોક્કસ ગામમાં એક જ પ્રકારના કામોની વહીવટી મંજૂરી માટે પણ લોબિંગ થાય છે અને તે લોબિંગ દરમ્યાન ગોઠવણી થાય છે.

Santrampur

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકામાં તમે જુઓ તો અમુક ગામોમાં કરોડોની રકમ ખર્ચવામાં આવી રહી અને અમુક ગામોમાં કોઈ કામ જ નથી. ખાસ કરીને ભૂગળ સહિતના કેટલાક ગામોમાં એકસામટા કામો એ પણ એક જ કેટેગરીમાં મંજૂર કરાવવામાં આવી રહ્યા છે અને તેની એજન્સી/મટીરીયલ સપ્લાયરની પહેલાંથી જ ગોઠવણી થાય છે. આ તમામ ભૂમિકા ખાનગી ઈસમ, મનરેગાનો માસ્ટરમાઇન્ડ, રાજકીય લોબિંગ વાળા સહિતના ભેગા મળીને કરી રહ્યા છે. આ બાબતો નાનકડા ગામમાં સપાટી ઉપર આવતાં ખુદ સત્તાધિન પાર્ટીના આગેવાનો ચોંકી ગયા છે અને અંદરોઅંદર ભડાસ કાઢી રહ્યા છે. જો ભ્રષ્ટચારનો રાફડો નહિ અટકે તો ગમે તે રાજકીય નુકસાન આવે તો પણ લડવાની તૈયારી કરી હોવાનું પદાધિકારીએ જણાવ્યું હતુ.