રિપોર્ટ@હિંમતનગર: DRDAના ટેન્ડરમાં સ્પર્ધાનું બાળમરણ, એકની 3 પેઢીથી મનસ્વી ભાવો, ચોંકાવનારી ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ગ્રામ વિકાસ એજન્સીએ તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખોની રકમનું ટેન્ડર કર્યું હતુ. ભારેખમ વિવાદો અને શંકાસ્પદ હાલતમાં ટેન્ડર રદ્દ થવાની અણીએ આવ્યું હતુ. જોકે ચબરાકની ચાલાકીએ મામલો ઠંડો પડતાં દઈ એકાએક 62 લાખથી વધુનું ટેન્ડર મંજૂર કરી દીધું છે. સમગ્ર મામલે સ્થાનિક અરજદારે ફરિયાદ કરી છે કે, એક જ વેપારીની ત્રણ પેઢીને કારણે રિવર્સ ઓક્શનમાં મનસ્વી ભાવો લીધા છે. ટેન્ડરમાં સ્પર્ધાનું બાળમરણ થતાં સરકારને નાણાંકીય બચત કરાવી નથી. આ ઘટનાક્રમ પણ એવો રોચક છે કે, વિવાદ થાય છતાં પોતાની ઈચ્છા કેવી રીતે પાર પાડવી તેનો ચોંકાવનારો ઘટનાક્રમ વાંચો અહીં...
સાબરકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન શાખાએ હમણાં 25 ઈ રિક્ષા ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું હતુ. ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં સરેરાશ 10થી વધુ ઉત્પાદકોએ આવેદન કર્યું પરંતુ ટેકનિકલ ચકાસણીમાં 3 સિવાય તમામ ઉત્પાદકોને કાઢી દીધા. જોકે ટેકનિકલ સેક્શનમા પાસ થયેલી 3 કંપનીઓની માલિકી શંકાસ્પદ બની હતી. આ દરમ્યાન ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે 3 એજન્સીઓને ભાવ ઓફર કરવા કહ્યું હતુ. હવે પરિસ્થિતિ એવી બની કે, આ ત્રણેય કંપનીના સાહેબ કાગળ ઉપર ભલે અલગ હોય પરંતુ ફેક્ટરી એક જ હતી. આથી રીવર્સ ઓક્શનમાં સ્પર્ધાનું બાળમરણ થવાની નોબત આવી ગઈ. આ દરમ્યાન સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી વોરાને ધ્યાને મૂકતાં ચકાસણી કરીને કહ્યું કે, ટેન્ડર રદ્દ થશે. નીચે વાંચો ચોંકાવનારી ચાલાકી ક્યારે થઈ.
જિલ્લા વિકાસ અધિકારી વોરાએ કહ્યું કે, ટેન્ડર રદ્દ થશે પરંતુ કેટલાક દિવસો સુધી ઓનલાઇનમાં કોઈને વર્ક ઓર્ડર ના આપ્યો કે ના ટેન્ડર રદ્દ કર્યું. જોકે ટેન્ડરની આગળની પ્રક્રિયા થંભી જતાં વિવાદ ઠંડો પડી ગયો. જેવો વિવાદ શાંત પડી અને વાંધાઓ પણ ઠંડા પડી જતાં અચાનક સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદાર અને ડીડીઓ વોરાએ ત્રણ પૈકીના એક વેપારીને 62લાખથી વધુનો વર્ક ઓર્ડર આપી દીધો. આ પછી ડીડીઓને પૂછતાં જણાવ્યું કે, ટેન્ડર રદ્દ કરવાનું હતું પરંતુ પછી બધું બરાબર લાગ્યું એટલે સહી કરી આપી. આ પછી સ્થાનિક જાગૃત નાગરિકે સમગ્ર મામલે ટેન્ડર પ્રક્રિયામાં સરકારને નાણાંકીય નુકસાન મામલે લેખિતમાં ફરિયાદ કરી છે.
નિયામક કહે છે, ત્રણેયનો માલિક એક જ એવું એની તપાસ અમે કેવી રીતે કરીએ
આ બાબતે નિયામકને પૂછ્યું કે, ત્રણેય પેઢી એકની જ હોવાથી ટેન્ડરમાં સ્પર્ધાનું બાળમરણ થાય છે. તો નિયામકે જાણે હાથ અધ્ધર કરીને કહ્યું કે, અમે કેવી રીતે તપાસ કરીએ કે, ત્રણેય પેઢી એક જ છે.
સાંસદે કહ્યું તપાસનો હુકમ કરૂં છું.
આ સમગ્ર મામલો દિશા કમિટીના ચેરમેન કમ સાંસદ દીપસિંહને ધ્યાને મૂકતાં જણાવ્યું કે, સ્પર્ધા તંદુરસ્ત રીતે થવી જોઈએ અને સરકારનાં નાણાંનો બચાવ કરવો જોઈએ. હું આ બાબતે તપાસનો હુકમ કરૂં છું.