અપડેટ@ગુજરાત: ટૂંક સમયમાં જ આવી શકે પોલીસ ભરતી, IPS હસમુખ પટેલને મળી મોટી જવાબદારી
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને પોલીસ ભરતી બોર્ડની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે.
ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.