પ્રતિક્રિયા@દેશ: અમેરિકાના આરોપો પર ઇરાને કહ્યું, અમે વેરાવળ પાસે જહાજ પર હુમલો નથી કર્યો

 
Veraval

અટલ સમાચાર, ડેસ્ક

વેરાવળ નજીક દરિયામાં તેલના ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાના અમેરિકાના દાવાને ઇરાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરનાર ડ્રોન ઇરાનથી આવ્યું હતું. પેન્ટાગને જણાવ્યુ હતુ કે લાઇબેરિયા ઝંડા અને જાપાનના કેમ પ્લૂટો જહાજ પર વેરાવળથી 200 દરિયાઇ મીલ દૂર હુમલો થયો હતો. આ જહાજનું સંચાલન નેધરલેન્ડની એક શિપિંગ કંપની કરી રહી હતી. આ હુમલા પછી જહાજમાં આગ લાગી હતી. જોકે, કોઇ મોટુ નુકસાન થયું નહતું.

ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક બ્રીફિંગમાં કહ્યું, “આ આરોપોને પાયાવિહોણા માનીને ફગાવવામાં આવે છે.” વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તેની જગ્યાએ અમેરિકાએ ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધમાં પોતાની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઇએ. ઇરાની સરકારી મીડિયાએ જણાવ્યુ કે ઇરાની નૌસેનામાં બે નવી મિસાઇલ અને હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવ્યા છે જેમાં એક મિસાઇલની રેન્જ 1000 કિમી કરતા વધારે છે જ્યારે બીજી 100 કિમી સુધી મારી શકે છે.

અરબ સાગરમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌસેનાના INS મોરમુગાઓ સબમરીનને મોકલવામાં આવ્યું છે. હુમલાનો શિકાર થનાર જહાજ મેંગલૂર પોર્ટ જઇ રહ્યું હતું. યૂકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) દ્વારા એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલાની સૂચના આપવામાં આવ્યા પછી નૌસેના અને ભારતીય કોસ્ટગાર્ડ એક સબમરીન અને પેટ્રોલિંગ વિમાન દ્વારા કાર્યવાહીમાં લાગી ગયુ હતુ. આ જહાજમાં ચાલક દળમાં 21 ભારતીય સભ્ય છે. એક અધિકારીના નિવેદન અનુસાર, સાઉદી અરબના અલ જુબેલ પોર્ટથી મેંગલૂર પોર્ટ પર કાચુ તેલ લઇને જતું જહાજ પોરબંદરથી 217 દરિયાઇ મીલના અંતર પર હુમલાનો શિકાર બન્યું હતું.