સ્પેશિયલ@પાંથાવાડા: માર્કેટયાર્ડના સેક્રેટરી ખરેખર ધો.10 પાસ છે? સર્ટીફીકેટની ખરાઇ ઉપર ચર્ચા કેમ❓

 
Panthavada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

પાંથાવાડા ગંજબજારના અ-પારદર્શક વહીવટના અનેક રીપોર્ટ બાદ એક ચોંકાવનારી ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે. આ ચર્ચા એટલી ગંભીર છે કે, જો વાત સાચી હોય તો ભ્રષ્ટાચારનો વહીવટ આ કારણથી જ થતો હશે એ વાત પાક્કી છે. વાત જાણે એમ છે કે, પાંથાવાડા માર્કેટયાર્ડના હાલના સેક્રેટરીની લાયકાત ઉપર બૂમરાણ મચી છે. સેક્રેટરી હરીભાઇ હકીકતમાં ધોરણ.10ની લાયકાત ધરાવે છે ? શું તેમની પાસે ધોરણ.10 પાસનું સર્ટીફીકેટ છે ? જો છે તો ખરેખર સાચું અને પ્રમાણિત છે ? આ તમામ સવાલો જબરજસ્ત ઉઠી રહ્યા છે. હવે આ મામલે થયેલી રજૂઆતમાં પણ ચોંકાવનારી હદે જવાબ થયો છે. જાણીએ સમગ્ર અહેવાલ....

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીકના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શું નેટ એન્ડ ક્લિન વહીવટ થાય છે ? આ વાત ખુદ વેપારીઓ અને ખેડૂતોને ગળે ઉતરે એવી નથી. માર્કેટયાર્ડમાં શંકાસ્પદ વહીવટ થતો હોવાના રિપોર્ટ કર્યા બાદ હવે ચોંકાવનારી ચર્ચા અને તેને સમર્થન આપતી બાબતોએ જોર પકડ્યું છે. પાંથાવાડા ગંજબજારના હાલના સેક્રેટરી હરીભાઇની નિયુક્તિ ધો.10 પાસના આધારે થયેલી છે. શરૂઆતમાં ચાર્જ અપાયો અને પછી ચેરમેનની વિશેષ કૃપાથી કાયમી ધોરણે સેક્રેટરી બની ગયા હતા. જોકે હવે આશંકાનુ વાવાઝોડું એટલી તીવ્ર ગતિએ આવ્યું છે કે, આખા પંથકમાં એક જ વાત છે કે, સેક્રેટરીએ ખરેખર ધોરણ 10 પાસ કરેલું છે ? જો હકીકતમાં ધો. 10 પાસ કર્યું હોય તો પાસ થયાનું સર્ટીફીકેટ સાચું હશે ? સેક્રેટરી પાસે જે ધો.10નુ સર્ટીફીકેટ છે એ પ્રમાણીત એટલે કે ગુજરાત સરકારનું ઓથોરાઇઝ છે ? આ શંકાના સમાધાન માટે અગાઉ સહકાર વિભાગમાં અરજી થઈ હતી.

Panthavada

પાંથાવાડા ગંજબજારના સેક્રેટરીની ધો.10 પાસના પ્રમાણપત્રની ખરાઇ કરવા તપાસની માંગ થઈ હતી. આ અરજી ગાંધીનગરથી બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ આવતાં તપાસ તો થઈ હતી, પરંતુ તપાસમાં એવું થયું કે જાણીને ચોંકી જશો. રજીસ્ટ્રાર કચેરીએ એક પત્રમાં 2 લીટી લખીને જણાવી દીધું કે, સેકેન્ડરી જોગવાઈ મુજબની લાયકાત ધરાવે છે અને ધો.10 નું સર્ટીફીકેટ બરાબર છે. પણ આ તપાસ અધિકારીએ જવાબની સાથે સર્ટીફીકેટની નકલ આપી નહિ. શું 2 લીટી લખીને તમે કહી દો કે, બધું બરાબર છે તો શું માની લેવાનું? જો તપાસ કરી હોય તો ધો.10નુ પ્રમાણપત્ર તમારા જવાબની સાથે ઓનલાઇન કેમ રજૂ નથી કરતાં? આ સમગ્ર ઘટનાક્રમથી પાંથાવાડા ગંજબજારના સેક્રેટરીની યોગ્યતા ઉપરની આશંકા વધુ મજબૂત બનતી જાય છે.

સેક્રેટરી ધારે તો ધો.10 પાસ મુદ્દે આશંકા દૂર કરી શકે

પાંથાવાડા ગંજબજારના સેક્રેટરી હાલમાં ક્લાસ 2 અધિકારી જેવી સુવિધા, સગવડો, વ્યવસ્થાઓ ભોગવી રહ્યા છે. ગંજબજારના સેક્રેટરી એટલે ઉચ્ચ હોદ્દો ગણાય છે પરંતુ જે તે વખતે ધો.10 પાસ સુધી ચાલતું હોવાથી સેક્રેટરી થવા અનેકને થનગનાટ હતો. આ દરમ્યાન હરીભાઇ ધો.9 પાસ થયા બાદ જે તે વખતે ધો.10 પાસ થયા હોવાનું જણાવી સર્ટીફીકેટ રજૂ કરી ચેરમેનના હુકમથી હોદ્દા ઉપર આવી ગયા હતા. જોકે સેક્રેટરીને ખૂબ નજીકથી ઓળખતાં ગૃપમા ચર્ચાએ જોર પકડ્યું કે, હકીકતમાં તેઓ ધો.10 પાસ છે ? જો સેક્રેટરી ધારે તો ધો.10 પાસનું સર્ટીફીકેટ બતાવીને આ આશંકા દૂર ના કરી શકે ?

કોમ્પ્યુટર અને અંગ્રેજી ભાષાના જ્ઞાન બાબતે પણ સવાલો છે

પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીના ધો.10 પાસના સર્ટીફીકેટ ઉપર જ આશંકા નથી, અંગ્રેજી ભાષાની સમજ અને કોમ્પ્યુટરના જ્ઞાન ઉપર પણ આશંકા છે. વાતો એવી પણ થઈ રહી છે કે, અંગ્રેજીનું ભાષાંતર કરાવવા સેક્રેટરી છેક પાલનપુર સુધી લાંબા થતાં હોય તો નવાઇ નહિ.