મર્ડર@સુરત: સિગારેટ લેવા જવાની સામાન્ય બાબતે મિત્રની હત્યા કરનાર ઈસમ પકડાયો
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી ગત 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, યુવકને ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગત 18 તારીખના રોજ કલ્લુ પાંડેસરાના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનમાં ચાર મિત્રો ફરવા ગયો હતો. દરમિયાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન મિત્રોએ માથામાં લાકડાના ફટકા વડે કલ્લુ ઉપર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇ કુલ્લુનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો બનાવી હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યા કરનાર મિત્ર અમાવસ રામ પરવેશ મહંતો નામના શખસને ઝડપી પાડ્યો હતો. જે શખસને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.