ક્રાઇમ@અમદાવાદ: આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી 50 લાખ ભરેલી બેગ લઈ ઇસમો ફરાર
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં ફરી એક વાર આંગડિયા પેઢીના કર્મીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. કેટલાક દિવસ અગાઉ નવરંગપુરા વિસ્તારમાં 50 લાખ ની ચીલ ઝડપ નો બનાવ સામે આવ્યો હતો. ત્યારે શુક્રવારે આવો વધુ એક બનાવ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બે લોકો સીજી રોડથી ફોરેન એક્સચેન્જ માંથી રૂપિયા લઈ ને એકટીવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ લોકો રૂપિયા ભરેલ બેગ લઈ ને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના નહેરૂ બ્રીજ પાસે શુક્રવારે આંગડિયા પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા હોવાનો શહેર પોલીસને મેસેજ મળ્યો હતો. નવરંગપુરા પોલીસને મેસેજ મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે, કાલુપુર ઝવેરી બજારમાં આવેલી ડી નરેશ આંડગિયા પેઢીના બે કર્મચારીઓ ઓફિસેથી નીકળ્યા હતા. ત્યારબાદ કમલેશ અને છગનલાલ નામના બંને કર્મચારીઓ એક્ટિવા લઇને સીજી રોડ પર ફોરેન એક્સચેન્જની ઓફિસે ગયા હતા. ત્યાં ગયા બાદ બંને કર્મચારીઓ 50 લાખથી વધુની રકમ લઇને થેલો ભરીને નીકળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 50 લાખ લઇને તેઓ સીજી રોડથી આશ્રમ રોડ થઇને નહેરૂ બ્રીજથી કાલુપુર જવાના હતા. તે દરમિયાનમાં જ ત્રણેક શખ્સો નહેરૂબ્રીજ પાસે વાહન પર આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ વાહન પરનું બેલેન્સ ન રહે તે રીતે કમલેશભાઇ અને છગનલાલ પાસે રહેલો થેલો આંચકીને ફરાર થઇ ગયા હતા. ચીલઝડપ થતાં બંને કર્મચારીઓ ગભરાઇ ગયા હતા. ત્યાં તેમની ઓફિસે આ બનાવની જાણ કર્યા બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. આ બનાવને લઇને નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.