આગાહી@ગુજરાત: હજુ આટલા દિવસ સુધી પડશે જોરદાર ગરમી, શું કહ્યું હવામાન વિભાગે ?

 
Manorama Mohanti

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી આવું જ વાતાવરણ યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળવાના સમાચાર નથી. જેના પગલે રાજ્યાના લોકોને ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અત્યાર 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આગામી બે દિવસ દરમિયાન પણ આવું જ વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ પછી એટલે કે 13મી તારીખથી તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

હવામાન વિભાગનું માનીએ તો 13 મેથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે. જ્યારે 48 કલાક બાદ ત્રણ દિવસ માટે સતત તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ સૌથી વધુ 43.9 તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગરમાં રહ્યું છે. આવામાં બે દિવસ હજી લોકોએ ગરમીનો પ્રકોપ વેઠવો પડશે. આજે કચ્છ, પોરબંદરમાં હિટવેવની આગાહી છે. સુરતમાં યેલો અલર્ટ, જ્યારે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. હાલ અમદાવાદમાં 43-44 ડિગ્રી તાપમાન રહી શકે છે.